Tuesday, December 09, 2008

Vondaru aayu

અમારે ત્યાં વાંદરા બહુ આવતા હોય, એમા નવાઈ જેવું કાંઈ નથી. સંબંધ બધાની સાથે સારાં રાખ્યા છે એટલે લોકો મળવા તો આવે. અમારા ફ્લૅટની બારી મોટી અને પહોળી છે, છતાં આવવા જવા માટે અમે દરવાજાનો ઉપયોગ કરીએ છીએ, પણ આ વાત વાંદરાઓ સ્વીકારતા નથી એટલે એ લોકો ગૃહપ્રવેશ માટે બારીનો ઉપયોગ કરે છે. કારણ કે બારીને તરત અડીને ઝાડ છે, એટલે આવે એ તો. મેહમાનો બારણામાંથી આવે છે, એટલો જ ફેર. સાચું પૂછો તો એ ઝાડ-થૂ્ર ભલભલા વાંદરા અમારા ઘરે આવી ગયા, પણ એમને કોઈનામાં બહુ ઊંડા ઉતરવાની ટેવ નહિ, એટલે પર્સનલી કોઈને ન ઓળખીએ. એવો ટાઇમ ક્યાં હોય આપણી પાસે ! યસ. આ અવરજવરને કારણે થોડું થોડું નૉલેજ બધા પાસે ખરૂં કે, લાલ મોઢા અને લાલ સીટવાળું હોય તો એને માંકડુ કહેવાય અને મોઢું કાળું હોય પણ સીટ ગમે તેવા રંગની હોય તો એને વાંદરૂ કહેવાય. બીજી એ પણ ખબર છે કે, વાંદરા આપણને લાફા બહુ મારે. એક તો આપણે કંઈક આપવા જઈએ ને એ લઈ પણ લે, પણ એમાં ક્યારે સટ્ટાક દેતી થપ્પડ મારી દે, એની ખબર ન પડે. અમારા ફૅમિલીમાં તો લગભગ બધાએ તમાચા ખાધા છે... બહાવાળા ય મારી જાય ને ઝાડવાળા ય મારી જાય.. આ તો સાલી કોઈ લાઇફ છે ? પણ, વાંદરાઓની એક બાબત બહુ સારી બહુ રોકાય નહિ. આઇને તરત જતા રહે, આમ તમારું ઘર આખું રફેદફે કરી નાંખે પણ બગાડે કોઈ દિવસ નહિ આઈ મીન, એમનું પોતાનું કહી શકાય એવું કાંઈ મૂકતા ન જાય, કે જેને સાફ કરવા નાક દબાવવું પડે. સોબતની અસર કહેવાય, પણ વાંદરાઓ સાથે ઘર જેવા સંબંધો અને એમના વિશેની અમારી જાણકારીને કારણે સમાજમાં હવે લોકો અમને બ્રાહ્મણો કરતાં મદારી તરીકે વઘુ ઓળખે છે. કોઈનાં છોકરાને વાંદરૂ-બાંદરૂ કરડી ગયું હોય તો ડૉક્ટર પાસે લઈ જવાને બદલે મારા ઘેર લઈ આવે છે- વાંદરાને નહિ, બચકું ભરાયેલા બાળકને ! સાપના ઝેરની માફક અમે કાંઈ વાંદરાના બચકાં ઉતારતા નથી, પણ દુનિયાના મોંઢે તાળાં ઓછા મરાય છે ? તે એમાં થયું કે, અમારા વિસ્તારની એક બૅન્કમાં વાંદરૂ ઘૂસી ગયું... ખાતું ખોલાવવા કે બંધ કરાવવા નહિ, અમથું જરા એ બાજુથી નિકળ્યું હશે તે થયું લાવ એકાદ આંટો મારતા જઈએ. સીધી વાત તો એ છે કે આવે વખતે ઝૂવાળાને કે ઢોરોના દાકતરને બોલાવવા જોઈએ એના બદલે એ લોકોએ અમારો સંપર્ક કર્યો. કઈ કમાણી ઉપર લોકો અમને મદારી માની બેસે છે, એ તો ખબર નથી પણ મહીં મહીં અમને આવું ગમે ખરૂં કારણ કે, આપણું ઇમ્પોર્ટન્સ વધે છે. લોન લઈને ઊડન-છૂ થઈ જતાં ગ્રાહકોને પકડવા કરતા વાંદરા પકડવામાં શાન આપણી વધે. ખાસ તો... મુશ્કેલીમાં આવેલા કોઈકને પણ મદદ કરવી, અમારો ધર્મ છે, એટલે જવું તો પડે. અહિ મુશ્કેલીમાં વાંદરૂં આવી ગયું કહેવાય બૅન્કવાળા નહિ કારણ કે, અજાણતામાં એ ક્યાંય નહિ ને એક શીડયુઅલ બેંકમાં ભરાઈ પડયું હતું, ને આ કોઈ આશ્રમ રોડની સિન્ડીકેટ બૅન્ક થોડી હતી કે, જ્યાં વાંદરૂ હોય કે માણસ ગ્રાહક સેવા પૂરી નિષ્ઠા અને અદબથી થાય છે ! અમારે જે બૅન્કમાંથી વાંદરાને જામીન પર છોડાવવાનો હતો ત્યાં તો સશસ્ત્ર ધાડપાડુઓએ પણ ધાડ પાડતાં પહેલાં અરજી ફોર્મ ભરવું પડે ને અગાઉવાળા લૂંટી લે પછી નંબર આવે ત્યારે ટોકન લઈને ફિકસ્ડ-લૂંટ, કરન્ટ-લૂંટ કે સૅવિંગ્સ-લૂંટ પતાવવી પડે. કમનસીબે, બૅન્કવાળાઓનો પ્રોબ્લેમ એ ન હતો કે, બૅન્કમાં વાંદરૂ ઘૂસી ગયું છે. પ્રોબ્લેમ એ હતો કે, સદરહુ વાંદરાએ કાઉન્ટર પર પોતાની ‘ડિપોઝીટ’ મૂકી હતી અને એ રીજેક્ટ એટલે કે સાફ કરવાની જવાબદારી કોની, એ વિષય પર મૅનેજમેન્ટ, યુનિયન અને કસ્ટમરો વચ્ચે મોટો વિવાદ થઈ ગયો હતો. ... પણ, આમાં મને કેમ બોલાવવામાં આવ્યો, એનો વિવાદ મારો એકલાનો હતો ! દેખાવમાં, હાસ્યલેખક હોવાને કારણે હું પણ સફાઈ કામદાર જેવો લાગુ છું, એની ના નહિ, પણ હજી એ વ્યવસાયમાં પડવા માટે મેં આ બૅન્ક પાસે કોઈ લોનની માંગણી કરી નથી, છતાં મને શા માટે બોલાવવામાં આવ્યો છે, તે સમજાતું ન હતું. હું પહોંચ્યો ત્યાર મૅનેજરની કેબીનમાં વાંદરૂ બેઠેલું જોવા મળ્યું અને શક્ય એટલી સમજાવટથી મૅનેજર હાથના ઈશારે ‘હઇડ-હઇડ’ કરીને કાઢવાના વલખા મારી રહ્યા હતાં. જો કે, એ બન્નેમાંથી મૅનેજર કોણ એની ઘણાં કસ્ટમરોને ખબર ન હતી, એટલે એ લોકો બહારથી બન્ને માટે હઇડ-હઇડ કરતા હતા. આ મૅનેજર થોડો રફ અને તોછડો હોવાથી, ‘વાંદરૂ ભલે રહે પણ મેનેજર જવો જોઈએ’ એવી લાગણી તો સ્ટાફ પણ વ્યક્ત કરતો હતો. ‘સારૂં થયું તમે આવી ગયા ભાઈ,’ એક મહિલા કર્મચારીએ મને જોઈને હર્ષ સાથે કહ્યું, ‘આ તો હાળું પકડાતું જ નથી...!’ અમે તમારા સામેના બ્લોકમાં જ રહીએ છીએ તે બેબી કહેતી હતી કે, મસ્તાનીના પપ્પાને તો વાંદરા પકડતા બહુ ફાઇન આવડે છે તે મેં બ્રાન્ચ મેનેજરને રીક્વેસ્ટ કરી કે, ‘અશોકભ’ઈને બોલાવો... એ’- ‘પણ... વાંદરા પકડવા મારો ધંધો ન- ’ ‘તમે ચિંતા ન કરો ભાઈ... તમારા આવવા-જવાનું રીક્ષા ભાડું એક જ અરજી કરવાથી બે-ત્રણ મહિનામાં જ વાઉચર પાસ થઈ જશે... પણ, બસ આ વાંદરાને ગમે ત્યાંથી કાઢો, ભાઈ સા’બ !’ એક વાંદરા માટે જગતભરની પહેલી ‘સોપારી’ મને આપવામાં આવી રહી હતી. હું ‘ડિસ્કવરી ચેનલ’ પર વાંદરા વિભાગ સંભાળતો હોઉં, એવી આતુરતાથી સ્ટાફ અને ગ્રાહકો મારી આજુબાજુમાં ગોઠવાઈ ગયા. (૧) ‘બૉસ.. આ કરડે એવું વાંદરૂ છે કે ન કરડે એવું ?’ (૨) ‘અહીંથી ખાસ કાંઈ ખબર પડતી નથી પણ અશોકભાઈ... આ વાંદરૂ છે કે વાંદરી ?’ (૩) ‘આ લાઇનમાં તમને કેટલા વર્ષ થયા ?’ (૪) ‘ગુરૂ આ વોંદરૂ ઍમેઝોનના જંગલો બાજુનું છે કે આપણોં ખેડા ડિશ ટ્રિક શાઈડનું, એ શી’તી ખબર પડઅ ? મનઅ તો દિયોરનું મૂળ વતન ઊંઝો લાગે છે, ઊંઝો ! ઈની બુનનો દિયોર મારૂં... જો ઓંય કાઉન્ટર પર ઈયોંએ ‘ડીપોઝ્ઝીટ’ મૂકી છઅ, ઇમોં ય જીરા-વરીયારીની છોંટ આવઅ છઅ !’ (૫) ‘દાદુ... વાંદરાને પકડવા માટે કોઈ છુટ્ટા સાધનોની જરૂર પડે તો કહેજો... અમે તો સ્ટાફમાં ય જરૂર પડે તો એકબીજા ઉપર ફેંકવા માટે લૅજરો વાપરવાનો જ આગ્રહ રાખીએ છીએ !’ આ બધા સવાલોના જવાબ આપું ત્યાં જ આશ્ચર્યજનક રીતે ‘માણસની માફક’ અમારો પરવિણ ચડ્ડી દરવાજામાંથી સીધો અંદર આવ્યો. આપ સહુ તો જાણો જ છો કે, પરવિણભ’ઈનો અને બૅન્કનો મુદ્રાલેખ એક જ છે- ગ્રાહકોની સેવા. બન્ને વચ્ચે ફરક એટલો જ છે કે, પરવિણભ’ઈ ગ્રાહક એટલે રૂપાળી સ્ત્રીઓ સમજ્યા છે. વાંદરો ઘરડો થાય તો ય ગુલાંટ ન ભૂલે, એ વાત સાચી પણ પવલો કહે છે, ‘આ કહેવત તો વાંદરી માટે ય એટલી લાગુ પડે છે ને ?’ પરવિણને લલ્લુ કહેવો કે સરદાર ? એને એક જ ચિંતા હતી કે, કોઈ મહિલા કસ્ટમરને વાંદરૂ બચકું ભરી ગયું નથી ને ? આવું થઈ જાય તો પવલો વાંદરાને ખખડાવી નાંખે, ‘અમે મરી ગયા છીએ તે આવા કામ તમારે કરવા પડે છે ?’ બીજું તો કંઈ નહિ, મહિલા સ્ટાફ અને કસ્મરોને ઇમ્પ્રેસ કરવા પરવિણભ’ઈ રીક્ષા કરીને સાડા-પાંચ કિલો લીમડો લઈ આવ્યા હતા. ‘વાંદરૂ પકડવાની અસરકારક પદ્ધતિઓ’ નામના પુસ્તકમાં એમણે વાંચેલું કે ઘરમાં આવું કોઈ વાંદરૂ-બાંદરૂ ભરાઈ જાય તો ઘરમાં લીમડો બાળીને એનો ઘૂમાડો કરવાથી વાંદરા ભાગી જાય છે. આ ભડકો એમણે સવારે ૧૧ વાગે કર્યો. સાંજે ચાર સુધી તો સ્ટાફ અને કસ્ટમરો બૅન્કની બહાર ફૂટપાથ પર મોંઢા વકાસીને ઉભા હતાં.... પવલો ને વાંદરો બે જ અંદર ! કહે છે કે, એક તબક્કે વાંદરો તો બહાર આવવા માટે બહુ ધમપછાડા કરતો હતો. પવલો એને બહાર આવવા દેતો ન હતો... આમ કાંઈ બૅન્કમાં સીધી અઠવાડિયાની રજા થોડી મળવાની હતી ? બૅન્ક અઠવાડિયું બંધ રહી... વાંદરાને પરવિણે પરમેનન્ટ પાળી લીધો છે.

No comments: