Wednesday, December 10, 2008

Filmstars na gogles!

શરૂઆતમાં તો એવું હતું કે, બાન્ડીયા, કાણીયાઓ અને સાવ અંધજનો કાળા ગોગલ્સ પહેરતા... આજે ફિલ્મસ્ટારો અને માફિયા ‘ભાઈ’ લોગ પહેરે છે. ઘણાં તો એવું પણ માને છે કે, સૂર્યપ્રકાશથી આંખોને ઠંડક આપવા માટે ગૉગલ્સ પહેરીએ તો જરા ઠીક રહે, તો એક વર્ગને ગૉગલ્સ પહેરવાની જરૂર એટલા માટે પડે છે કે, કાળા ચશ્માની પાછળથી કાળા કામો કરી શકાય. આમ હિંમત ન હોય પણ કાળા ચશ્મા પહેરીને મનમાં ને મનમાં ‘ચક્ષુ-લગ્ન’થી માંડીને ‘ચક્ષુ-રતિ’ સુધીનો આનંદ સ્ત્રીઓને જોઈ જોઈને મેળવી શકાય છે. ભ’ઈ પોતે એવું સમજતા હોય કે, હું ક્યાં જોઉં છું, એની જાહેર- જનતાને ખબર પડતી નથી, એટલે જે સ્ત્રીને દૂરબીનમાં ફૉક્સ કરી હોય, એને ચશ્માના નંબર કાઢતી વખતે કાળા-ધોળા રંગનું, મોટેથી નાના થતાં જતા. ‘ડ, ફ, ગ, ણ, બ, જ, વ, લ...’ જેવા અક્ષરો લખેલું પાટીયું માનીને જોયે રાખે છે. અને બાકીના આપણાં જેવાઓમાંથી ઘણાં ગૉગલ્સ પહેરીને એવું માની લે છે કે, ‘ખરો હૅન્ડસમ હું હવે લાગું છું.’ ગૉગલ્સ પહેર્યા પછી અરીસામાં જોઈને જે રીતે જુદા જુદા ઍન્ગલથી એ પોતાનું માથું ગોઠવવા માંડે છે, એ તમે જાુઓ તો પાણીના ઊંધા માટલા ઉપર ફૂલનું કૂંડુ ગોઠવતા તમને આવડી જાય. શું જાણે, જમણી બાજુથી એ અક્ષયકુમાર લાગતો હશે, ડાબો ગાલ જોવાથી આપણો ‘સલ્લુ’ એટલે કે સલમાનખાન લાગતો હશે અને મૂન્ડી નીચી કરીને અરીસામાં જોવાથી, ગોગલ્સમાં એ જેકીશ્રોફ જેવો લાગતો હશે, એવું ભલે એ માની લે... પણ એના ચેહરાની આ ત્રણે બાજુ ભેગી કરીને વચ્ચે ગોગલ્સ ગોઠવો તો અંધશાળાના વર્ગશિક્ષક જેવો લાગે. કેટલાક લોકો ગોગલ્સ પહેર્યા પછી અફકૉર્સ સારા લાગતા હોય છે, પણ વારેઘડીયે મને મારી પોતાની વાત કરવી ગમતી નથી. હવે તો સમય એવો આવ્યો છે કે, ફેમિલી- મૅમ્બર્સ કરતા પણ ટીવી જોવામાં સમય વઘુ ફાળવીએ છીએ એટલે આજની ફિલ્મોના હીરાભ’ઈઓ અને હીરાબહેનો જોવા મળે. નવાઈ એક જ લાગે છે કે આ ફિલ્મસ્ટારો અડધી રાત્રે ય ગોગલ્સ કાઢતા નથી. ફિલ્મી પાર્ટીઓમાં પણ એમને ગોગલ્સ પહેરી રાખવા પડે છે... આનું કારણ શું ? કારણ એ કે, મોટાભાગના હીરો રતાંધળા હોય છે. રતાંધળા એટલે રાત્રે બહુ ન દેખાય એવા. શૂટિંગમાં મોટી મોટી ફ્લડ-લાઈટો સામે કામ કરવાથી જતે- દહાડે એમની આંખો નબળી પડી જાય છે... સાધારણ પ્રકાશ સામે ય એમની આંખો ટક્કર ઝીલી શકતી નથી. ગોગલ્સ પહેરી રાખવાથી આંખો અંજાઈ જતી નથી. બીજાું કારણ એ પણ છે કે, મિલ કામદારોના હાજરી- કાર્ડની જેમ ગોગલ્સ આપણાં ફિલ્મસ્ટારોનું આઈડેન્ટિટી-કાર્ડ છે. એ ન પહેરે તો કોઈ એમને હીરો માને પણ નહિ. છાતી ખુલ્લી દેખાવી જોઈએ અને એ પણ પુરૂષને સ્તનો ઊગ્યા હોય ને જમાનાને એની જાણ કરવી જરૂરી હોવાથી સંજયદત્ત, અક્ષય, સુનિલ શેટ્ટી, સની દેવલ, સલમાનખાન, આમીરખાન છાતીઓ ખૂલ્લી જ રાખે છે ને ‘બ્રા’ પણ પહેરતા નથી. આમાં મમતા કુલકર્ણી કે કાશ્મિરા શાહ ઊઘાડાં ફોટાં પડાવતી હોય, એમાં શું દોષ દેવો ? અસલના જમાનામાં દિલીપકુમાર, રાજકુમાર કે દેવઆનંદ કાંડુ અને ગળાના બટન પણ બંધ રાખતા પણ એ તો એમના આખા શરીરે ઘેટાંના ઊન જેવી જથ્થેદાર રૂંવાટી હતી એટલે. કહેવાય છે કે, દર પંદર- પંદર દહાડે એ ત્રણે ય હીરોના શરીર પરથી ઊન ઉતારવું પડતું એમાં એમનાં મોટાભાગના સગાં-સંબંધીઓના સ્વૅટરો બની જતા. જયારે આજના સ્ટાર્સ તો છાતી ખૂલ્લી ન રાખે તો ડાયલોગ્સ ભૂલી જાય ! ઍક્ટિંગ જ ન આવડે ! છાતીના વાળ દેખાય એમાં તો કેટલાંય ઍવોર્ડસ મળે છે... એ જોઈને આપણે ત્યાં ય દેસી ભ’ઈઓ બટન ખૂલ્લાં રાખીને ફરે છે... કહેવાય છે કે, જેની માંએ નાનપણમાં છોકરાને ચોળી ચોળીને ન નવડાવ્યો હોય ને નવડાવ્યા પછી ભીનો રાખ્યો હોય, એની છાતી રીંછ જેવી થઈ જાય છે. દંભ અને નફટાઈની પરકાષ્ટા એ થશે કે, ભણેલી- ગણેલી ગુજરાતણોને, એમની જુવાન દીકરીઓને ટીવી પર આવા ઉઘાડા હીરોને જોવા દેવામાં (અને પોતે ધરાઈ ધરાઈને જોવામાં) કશું ગંદુ નહિ લાગે પણ અમને પત્ર લખશે. ‘‘અશોક દવે હાય રામ... કેવા શબ્દો વાપરે છે ?’’ અડધી રાત્રે બીજાંને દેખાડવા ફિલ્મસ્ટારો ગોગલ્સ પહેરી રાખે એનું ત્રીજાું કારણ એ હોઈ શકે કે, ફિલ્મસ્ટારોના શરીરનું લોહિ મગજ તો ઠીક, આંખ સુધી ય ન પહોંચતું હોય. આ લોકો રૂપાળા ચહેરા, સુંદર શરીર અને ઍક્ટિંગના વેપારીઓ છે, બુદ્ધિના નહિ. જરૂરી નથી કે, જેટલી સરસ ઍક્ટિંગ આવડતી હોય એટલું મગજ પણ ચાલતું હોય. આ લોકો શૂટિંગ વખતે જ નહિ, બારેમાસ હીરો થઈને ફરે છે. થોડા વર્ષો પહેલાં શત્રુધ્નસિંહા અમારી ફ્લાઈટમાં હતો. હવે એ જે કાંઈ સમજયો હોય કે, જમીનથી આટલે ઊંચે અમે એને જોઈને ધન્ય ધન્ય થઈ જઈશું અને એને મળવા પડાપડી કરીશું- એ હિસાબે એની ફિલ્મોના તમામ સ્ચહહીૈિજસ (ચેનચાળા) બબ્બે મિનીટે ઊભો થઈને બતાવે. ખાડીયાની ભાષામાં કહીએ તો ‘‘બહુ વહેમો મારતો હતો’’ અને મારા કાઠીયાવાડની ભાષામાં કહીએ તો ‘‘ભારે ભૂંડો લાગતો હતો.’’ ગોગલ્સ તો ત્યાં ય કાઢ્યા ન હતા પણ આખી ફ્લાઈટમાં કોઈ એની નોંધ પણ લેતું નહતું... સચીન તેન્ડુલકર વાનખેડે સ્ટેડિયમ પર સેન્ચૂરી મારે તો સારો લાગે... ચર્ચગેટના સ્ટેશને ઊભો ઊભો આમથી તેમ બૅટ વીંઝે રાખે તો કેવો લાગે ? અમારી સૌરાષ્ટ્રની ભાષામાં ?... વાયડો, પણ એવા નખરા નહિ કરવાને કારણે જ એ ‘વર્લ્ડ-બેસ્ટ’ છે. આખી દુનિયા એની સામે ઝૂંકે છે, છતાંય એ છોકરો અડધી રાત્રે ગોગલ્સ નથી પહેરતો. અમે હાસ્યલેખક છીએ એટલે ચોવીસે કલાક હસમ્-હસી જ કરતા હોઈશું એવું ય માનનારા છે. હમણાં દાઢ દુઃખતી હતી એટલે મારૂં મોઢું ખૂલતું ન હતું. લબકારા- સણકા બહુ મારે એટલે સ્વાભાવિક રીતે જ, ચકલીનું બચ્ચું હળવેથી હથેળીમાં મૂકી ગાલ નીચે દબાવી રાખ્યું હોય, એવા લાચાર મોંઢે હું ફરતો હતો, એ પણ મારા કોમિકનો કોઈ ભાગ હશે એમ સમજીને બે- ત્રણ જણાંએ કહ્યું, ‘‘શુંઉં દાદુ ?... આવતા બુધવારે દાઢ ઉપર કંઈક લખવાનું છે ?...હહહહહાહાહાહા...તમને હાસ્યલેખકોને ય વળી દાઢો દુખે ? હહહાહા...’’! કેમ જાણે, દાઢની જગ્યાએ મેં લોખંડના પતરાં નંખાવ્યા હશે ! પણ આમ જાુઓ તો લેખક તરીકે આ અમારી જેલસી જ લાગે છે ફિલ્મસ્ટારો માટેની ! એ લોકો જે કરી શકે છે એ અમે નથી કરી શકતા, એનાં આ બધાં ઉધામા લાગે છે. મારા ઉપરાંત, જે કોઈ ગુજરાતી હાસ્ય લેખકોને તમે રૂબરૂ જોયા હોય, એ બધાંને યાદ કરી જુાઓ.... રાત્રે તો શું, ભરબપોરે ય અમારા મોંઢે ચશ્મા શોભે એમ છે? સંજય દત્તની ફૂલેલી છાતીને બદલે અમારામાંના બે-ત્રણની છાતી ુપર તો, વાડકાની જેમ અંદર બેસી ગયેલા ખાડા છે.... શેના છાતાં ઉઘાડાં રાખીને ફરે? છાતી ઉપર વાળ હોય એવા બે-એક હાસ્યલેખકો છે ખરા, પણ એની ઉપરે ય કચરાં ચોંટ્યા હોય એટલે છાતીના બટન ગુમાસ્તાધારા મુજબ બંધ જ રાખવા પડે છે. એક-બેની છાતી તો ઠીક, માથે નથી એટલાં વાળ નાક- કાનમાંથી નીકળે છે ને જયારે મળવા જઈએ ત્યારે ખેંચીખેંચીને તોડતા હોય એ જોવામાં, આપણે કયા કામ માટે મળવા આવ્યા હતા, એ ય ભૂલી જઈએ... આપણી પાસે નથી ખેંચાવતા, ત્યાં સુધી મળવા જવાય ! બસ...નવાઈની વાત એક જ છે... ગુજરાતનો એકપણ હાસ્યલેખક ક્યારે ય ગોગલ્સ નથી પહેરતો... ક્યારેય નહિ ! હશે... કોક સુંદર સવારે તો એમના પુરસ્કારો વધશે- ગોગલ્સ ખરીદવા જેટલો !

No comments: