Wednesday, December 10, 2008

Muskurayiye...

તમારામાંથી કેટલાંને ખબર છે કે, સવાર-સાંજ ટુથ-બ્રશ કરો છો, એ કેટલી વાર ચાલુ રાખવાનું હોય ? આઈ મીન, દાંત ઉપર બ્રશના ટોટલ કેટલાં ઝટકા મારવાના હોય, જેથી દાંત અને મોઢું સાફ થઈ ગયેલું ગણાય ? રેગ્યૂલર સ્પીડથી દાંત પર બ્રશ ફેરવતા હો તો ઍવરેજ- બઘું મળીને તમે ૩૫૦- ઝટકા મારતા હો છો- જેને રાષ્ટ્રીય ભાષામાં ‘‘ઝટકે-પે-ઝટકા’’ પણ કહે છે. ટુંકમાં, ટુથબ્રશ કરવાની કરવાની રોજીંદી ક્રિયાને સરળ શબ્દોમાં ‘ઝટકા-પઘ્ધતિ’ કહે છે. પણ આવાં ૩૫૦-૪૦૦ ઝટકા મારી લીધાં પછી પણ નક્કી કેવી રીતે થાય કે, દાંત સાફ થઈ ગયા કે નહિ ? દેસી પઘ્ધતિ મુજબ, સ્થાનિક લોકો આ માટે બ્રશ કરી લીધાં પછી, અરીસામાં ફડાય એટલું મોઢું ફાડીને, જાણે શું ય મોટા સારા સમાચાર આવ્યા હોય એમ હસતા મૉંઢે ચમકતા દાંત જોઈ લે છે. અલબત્ત, આ પઘ્ધતિ ઓછી ખર્ચાળ, દેખાવમાં સુંદર અને ચેહરો પ્રસન્ન બનાવનારી હોવા છતાં વૈજ્ઞાનિક નથી;। શું ૭૦૦- કે ૮૦૦-મે ઝટકે ખબર પડે ખરી કે, હવે દાંત પૂરી રીતે સાફ થઈ ચૂકયા છે ? શું જાલીમ જમાનો આની નોંધ લેશે ? શું ૮૦૦-માંથી વચમાં કોઈ ૪૦-૫૦ ઝટકા ઠેકાદી દે, તો એને સમાજ ‘બદમાશી’ ગણશે ખરો ? વળી, ૮૦૦-માર્યા તો હજાર-બારસોના લક્ષ્યાંકે કેમ ન પહોંચવું ? આ પઘ્ધતિનો કોઈ વર્લ્ડ-રેકોર્ડ હશે ખરો ? લાંબામાં લાબું બ્રશ કોણે કર્યું હશે ? દાંત વધારે ને વધારે ઘસ ઘસ કરવાથી રૂપાળા રાજકુમાર થઈ જવાતું હોત તો આપણાં ભ’ઈઓ તો નહાવામાં ય એક જ રાઉન્ડમાં ૫-૫, ૬-૬ સાબુની ગોટીઓ ઘસી નાંખ એમ છે. હોય એટલી તાકાત દાંત ઉપર વાપરી કાઢવાની ન હોય. યોગ્ય તાલીમ અને કલાને અભાવે કેટલાંક લોકો ભીંત પરથી ચૂનો ઉખાડવાનો હોય, એવી તાકાતથી મંડયા હોય છે, જેને પરિણામે એ લોકોનાં દાંત મૉંઢાની બખોલમાં અંદરની તરફ વળેલાં દેખાય છે. આટલું જોર કરવાથી, સરવાળે તો હાર્મોનિયમની પેટીના કાળા-ધોળા સૂર પર આંગળી મૂકો ને કેવું દબાય- એવા એમના વિભિન્ન દાંતો ઉપર આંગળી મૂકવાથી જુદા જુદા અવાજો નીકળે છે, ‘‘ઓ માં રે... મરી ગયો... ડૉન્ટ ટચ મી’’ વગેરે ! મઘ્ય આફ્રિકાના જંગલી વૈજ્ઞાનિકોએ શોધેલા તારણ મુજબ, સવારની તમામ ક્રિયાઓમાં ‘‘સ્પીડ’’ સૌથી વઘુ મહત્વનો ભાગ ભજવે છે. જે સ્પીડે તમે ટુથબ્રશ ઘસો છો, એ જ સ્પીડે નહાતી વખતે સાબુ ચોળી શકાતો નથી કે માથે કાંસકો ફેરવી શકાતો નથી. ટુથબ્રશ અને કાંસકાની સરખામણીમાં સાબુએ ઘણો મોટો એરીયા કવર કરવાનો હોવાથી સ્પીડનું ઝનૂન ઓછું રાખવું પડે છે. ત્રીજા માળનું માળીયું સાફ કરવાનું હોય એમ ઘણાં તો ટુવાલ વડે પોતાનો બરડો સાફ કરતા હોય છે, પણ એમાં ધારી સ્પીડ નથી લાવી શકાતી. ટોઈલેટમાં તો જગતભરની કોઈપણ પ્રકારની સ્પીડ કામમાં આવતી નથી. ત્યાં તો મનથી ભાંગી પડીને નર્વસ થઈને બેસવું પડે છે. એ પણ ખરૂં કે, ટુથબ્રશવાળી ઝટકા-પઘ્ધતિમાં સ્પીડવાળો જ મેદાન મારી જાય. હજી સુધી ‘સ્લૉ-મોશન’માં ટુથ-બ્રશ કરનારો કોઈ દાતણીયો- આઈ મીન, દાતણ કરનારો પેદા થયો નથી. સ્પીડને કારણે દાંત અંદર રહે છે, કાં તો એક સુંદર સવારે બહાર આવે છે. ટુથબ્રશ વિશ્વના એ અજાયબ સાધનોમાં સ્થાન પામ્યું છે, જે મનુષ્યને આત્મનિર્ભર બનાવે છે. સંસારના ૨૮,૦૦૦ કામો પૈકીનું આ કામ પણ એવું છે, જે કાળા માથા અને ધોળા દાંતવાળા માનવીએ એકલે હાથે કરવું પડે છે, પણ બીજાનો સહકાર લઈ શકાતો નથી. હસતી વખતે પત્ની ગમે તેટલી ચાર્મંિગ લાગતી હોય (બોલતી વખતે ન લાગે- હસતી વખતે લાગે એ તો !) તો પણ ‘‘લાવ સનમ... આજે તારા દાંત હું સાફ કરી આપું-’’ એવી ઑફર મૂકી શકાતી નથી. ૧૩મી અને ૧૪મી સદીમાં ઉત્તર ગુજરાત બાજુનો કેટલાંક આશાસ્પદ પટેલોએ પત્નીના દાંતે દાતણ ઘસી આપવાની કોશિષો જરૂર કરી હતી, પણ બીજા દિવસની મીઠી સવારે જાગીને જોયું તો પટલાણીઓના દાંત, ઘરમાં બાંધેલી ગાયો જેવા થઈ ગયા હતા. આજે તો સાયન્સ ઘણું આગળ વઘ્યું છે અને નવા નવા પરણેલાં પુરૂષો પત્નીને બ્રશ કરી આપતા જોવા મળ્યાં છે, જે આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક છે કારણકે આ પઘ્ધતિમાં સૌપ્રથમ તો પહોળા પંજે પત્નીનું માથું ઉપરની બાજુથી એવી રીતે પકડવું પડે છે, જાણે મહીં ખાલીખમ હોય, સાવ નાના બાળકનું ઘણીવાર ગળું પડતું હોય છે, એવી શક્યતા અહીં પણ ખરી. કેટલાંક ગોરધનોને પત્નીના માથા ઉપર સરખો હાથ બેઠો હોતો નથી એટલે એ લોકો પહોળા પંજે પત્નીનું ગળું પકડે છે. આ પઘ્ધતિમાં ‘બીજો’ ફાયદો એ છે કે, બ્રશ કરાવતી વખતે એ બોલી શકતી નથી અને બોલવા જાય તો કલચ અને ગીયર બઘું આપણાં હાથમાં હોય છે પણ ગોરધનની ખરી કસોટી પત્નીના મોઢામાં બ્રશ ધુસાડવામાં થાય છે. અહીં કલાની સાથે કૌશલ્યની એટલી જ જરૂર પડે છે. જાણિતા થઈ રહેલાં હાસ્યલેખક શ્રી વલ્લભ મિસ્ત્રી કહે છે, ‘‘આ પઘ્ધતિ ડેન્જરસ છે.’’ હું નથી માનતો. તાલીમથી બઘું શીખી શકાય. તાજાં પરણેલાઓએ આ પ્રયોગ હાથમાં લેતાં પહેલાં સળંગ છ સપ્તાહ સુધી પોતાના શૂઝની અંદર પૉલિશ કરવાનું બ્રશ ફેરવવાની પ્રૅક્ટિસ પાડવી જોઈએ. (પરણ્યાના પાંચ વર્ષ પછી બુટ (શૂઝ) અંદરથી સાફ કરતા શીખવું હોય તો ક્રમ ઉલ્ટાવીને, પહેલાં પત્નીના મૉંઢામાં બ્રશ (બુટ સાફ કરવાનું નહિ, ટુથબ્રશ) નાંખી જોઈને હાથ બેસાડવો જોઈએ, જેથી મોંઘા ભાવના બુટ બગડે નહિ.) કરૂણતા એ છે કે, પેલીનું મોઢું અને તમારો હાથ સખણો ન રહ્યો ને જડબામાં ટુથબ્રશ ક્યાંક આડેઅવળે વાગી ગયું તો તમે તો ઠીક, એ અબળા આખી જીંદગી કોઈને મોઢું બતાવી ન શકે. તળાવને કીનારે સોફો પાથરીને મગર સૂતો હોય, એવું ડ્રૉઈંગ રૂમમાં તમારૂં પાત્ર પડયું હોય એવું એનાં ખુલ્લાં જડબાને કારણે લાગે. ન્યાતમાં તમારૂં સારૂં ન લાગે. ‘સ્વયં-ઝટકા પઘ્ધતિ’ એટલે કે જાતે બ્રશ કરવામાં ટુથબ્રશ ઉપર પૅસ્ટ કટલી લગાવવી, એ માટે ઘણાં મિત્રો કેમિસ્ટને બદલે કડીયાને પૂછવા જાય છે, જે વ્યાજબી નથી. લેલા ઉપર કડીયો સીમેન્ટનો લબ્દો લઈ ભીંત ઉપર ઝટકે છે, એમાં અને ટુથબ્રશ કરવામાં ઘણો ફેર છે. ઉતાવળ હોય કે પછી બહુ હસ હસ કરવાનું હોય ત્યાં જવા માટે બન્ને હાથમાં બે ટુથબ્રશો પકડીને બન્ને હાથે એક સાથે બ્રશ કરવાનું ન હોય, એમ વધારે પૅસ્ટ ચોપડો એટલે દાંત વધારે ચોખ્ખાં થાય એ ગણિત ખોટું છે. ગયા જૂન મહિનામાં મારા વાઈફે ભૂલમાં ‘કોલગેટ’ ને બદલે ‘ફેવી-કવીક’ની પૅસ્ટ દાંતે ઘસી નાંખી હતી. તે એમાં એના હોઠ, દાંત, જીભ અને જડબાં એવી રીતે ચૉંટી ગયેલાંકે એને ખોલવા માટે જરૂર પડે તો સાયકલ- રીપેરવાળાને બોલાવવાની પણ અમને સલાહો અપાઈ હતી. વાઘ-સિંહ કે વાંદરા, કદી ય બ્રશ કરતા નથી. હાથી તો દેખાડવાના દાંતે ય સાફ રાખતો નથી, છતાં પણ એ બધાનાં દાંત મજબુત હોય છે.. પણ આપણાં માણસોના દાંત કરતાં તો મોંઢામાંથી મારતી વાસ વધારે મજબુત હોય છે. જગતમાં હું બે જણને માફ કરી શકતો નથી, માથામાં રગડા જેવું તેલ નાંખેલ સ્ત્રી અને મૉંઢામાંથી વાસ મારતા લોકો... આ લોકોએ ફક્ત દાંત જ નહિ, પેટ પણ સાફ રાખવાની જરૂર છે. આવા લોકોએ તો, બ્રૅડ-બટર બનાવવા માટે બ્રૅડ ઉપર બટર નહિ. ટુથ પેસ્ટ ચોપડીને ‘બ્રૅડ-પેસ્ટ’ બનાવીને ખાવી જોઈએ.... ત્યારે શું !

No comments: