Tuesday, December 09, 2008

Chumban ketlu laambu karvu?

* (સૉલિડ ધમકીઃ જેના ઘેર ટીવી છે, એવા કોઈ વાચકે, ‘‘લેખ માટે આવો વિષય કેમ પસંદ કર્યો?’’ એ પૂછવાનો હક નથી.) માત્ર છાપાઓમાં જ નહિ, ઇવન ટીવીમાંય હૈયું હચમચાવી મૂકે એવા સમાચાર હતા. ઓસ્ટ્રેલિયાના ન્યૂ કાસલ-સીડનીમાં ૫૩ યુગલો ‘ગીનેસ બૂક ઑફ રેકોર્ડસ’માં પોતાનું નામ (અને કામ) નોંધાવવા સળંગ ૨૯ કલાક અને ૫૭ મિનીટથી વઘુ લાંબુ ચુંબન કરવા ભેગા થયા હતાં. આમાં હૈયું શું, હોઠ પણ હચમચી જાય. સમાચાર બન્નેમાં હતાં એટલે છાપામાં આ સમાચાર વાંચીને રાજી થવાનું અને ટીવીમાં નજર સામે જોઈને રાજી થવાનું... અથવા જીવો બાળવાના! આટલું લાંબું ચુંબન નોન સ્ટૉપ અને એ ય પાછું એક જ પાર્ટનરને કરવાનું! બુદ્ધિ બ્હેર મારી ગઈ છે બળધીયાઓની! અહીં આપણાં વાળી વરસમાં એક વખત અડધી મિનીટીયું ચુંબન પણ કરવા દેતી નથી, ‘‘જાઓ, પહેલાં સિગારેટ બંધ કરી આવો... પાન-મસાલા-ગુટખા બંધ કરો... લસણ-ડૂંગળા બંધ કરો ને પછી આવજો ચુંબનોના ભડાકા કરવા!’’ ચુંબનોની દુનિયામાં એક માત્ર જૈન સ્ત્રીઓ જ સ્માર્ટ નીકળી. ધરમના નામે કાંદા-લસણ બંધ કરાવી દીધાં પણ ચુસ્ત ધર્મીઓથી ખરેખર તો ચુંબન ન થાય. નાદાનોને ખબર નથી, એક ચુંબનમાં હોઠ પર રહેતા અબજો બેકટેરિયાઓ મરી જાય છે... હિંસા! નવાઈ લાગશે પણ પરિણિત સ્ત્રીઓમાં આપણી ચુંબન-પદ્ધતિનો બહોળો વિકાસ થઈ શક્યો નથી. લગ્નની આજુબાજુના બે-ચાર અઠવાડીયા પૂરતું સમજ્યા કે, થઈ ગયા એટલા થઈ ગયા, પણ પછી ભારતીય સ્ત્રીઓ ચુંબન માટે પતિને હાથ બી અડાડવા દેતી નથી - આઈ મીન, હોઠ બી અડાડવા દેતી નથી. એવા તો સેંકડો કપલ્સ હશે જેમને યાદ પણ નહિ હોય કે, છેલ્લું ચુંબન એમણે ક્યારે કર્યું હતું. બીજું બઘું રાબેતા મુજબ રામ ભરોસે ચાલે રાખે, ચુંબનો નહિ! સ્ત્રીઓની આવી બેરૂખીના આ રહ્યાં તસતસતાં કારણો! (વાંચો અને સુધરો, સાલાઓ!) (૧) તાલીમનો અભાવઃ મોટાભાગના ‘હસબન્ડોઝ’ને ચુંબન કરતા આવડતું નથી. અનુભવ પૂરતું આ લોકોએ બહુ બહુ તો બકરીનું બચ્ચું જોયું હોય અને એ જ એમની પ્રેરણામૂર્તિ હોય! પ્લમ્બર બાથરૂમની ચકલી રીપેર કરવા આવ્યો હોય એમ ઠેઠ ગ્રાઉન્ડ ફલોર પર એમના ચુંબનોનાં અવાજો ઠેઠ નીચે સંભળાતા હોય. તો કેટલાંકે ૅૅ‘સીઝન-પાસ’ કઢાવી રાખ્યો હોય એમ જેટલી વાર રસોડામાં જાય એટલી વાર એક એક રાઉન્ડ લેતાં આવે. ઘણાં એવા ય જોયા છે - સૉરી સૉરી, જોયા તો ક્યાંથી હોય આપણે? - જેઓ, ગલીને નાકે ઊભેલું છોકરૂં કુલ્ફી ખાતાં ખાતાં, આજુબાજુના બિલ્ડિંગોવાળા એને જુએ છે કે નહિ એ જોવા, કુલ્ફીમાં ઘ્યાન રાખવાને બદલે બારીઓમાં ડાફરીયા મારતું હોય, એમ આ ગોરધન પણ જાતજાતના દાવપેચ બતાવવા આવ્યો હોય એમ ચાલુ ચુંબને આંખો તપસ્વીની માફક બંધ રાખવાને બદલે ડોળાં ફાડીને ‘હુંઉંઉંઉં’ કરતો ચારે બાજુ જોયે રાખે છે. એમાં કેટલીય બ્રાન્ડના તો અવાજો ઊભા કરે. રૂમની બહાર બેઠેલાંને એટલું જ લાગે કે, અંદર કોઈ હિંચકામાં તેલ પૂરી રહ્યું છે. વિશ્વભરમાં આજ સુધી જે કોઈ શ્રેષ્ઠ ચુંબનો થઈ ગયા, એ બધામાં કોઈએ કોઈની આંખમાં કે નાકમાં જોવાનું હોતું નથી. જુએ તો બે ય બાંડા લાગે! એ વાત પણ ઘ્યાનમાં આવી છે કે, સવારે બાળકોને મોટા ભાગની મમ્મીઓએ, ‘‘એ તો રાત્રે જીવડું કઈડી ગયું’તું’’ એમ કહીને બાજી ફિટાઉંસ કરવી પડે છે. અઠવાડીયામાં ચાર વાર મમ્મીને આમ જ જીવડું કરડી જતું હોય, એ જાણીને સાલા ભટુરિયાઓ ય બઘું સમજી તો જાય છે એમાં લોચા એ પડ્યાં કે, મારા પ્રતાપી પુત્રો ધાંધલ અને ધમાલને ટ્યુશન આપવા આવતી ટીચર પણ આવો કોઈ પાર્ટ-ટાઇમ કોર્સ પતાવીને આવી હશે, એમાં એનાં સૂઝેલા હોઠ જોઈને ધાંધલે એની મમ્મીને સીઘું જ કહ્યું, ‘‘મોમ... જીવડાંએ જગ્યા બદલી!’’ એમાં એને ડાઉટ મારી ઉપર પડ્યો... ‘રામ રાખે એને કોણ ચાખે’ એ બધી વાતો કહેવતમાં સારી લાગે. અહીં તો ચાખી ગયો હશે કોઈ બીજો રામલો ને મહિના સુધી ઉપવાસો અમારે ખેંચવા પડ્યા!... છોકરાઓ વગર ટીચરે નાપાસ થયા એ જુદું! ઘરના જીવડાં ય ઊડી ગયા! (૨) મૂછોને કારણે ઃ ઘણી વાર મૂછોને કારણે પણ ચુંબનોનું ભાવિ ઘૂંધળું થઈ જાય છે (અહીં બેમાંથી ગમે તે એકની કે બન્નેની મૂછો સમજવાની!) અલબત્ત, કેટલાંક ગોરધનોની તો મૂછો ઉપરે ય કચરાં ચોંટ્યા હોય છે, એમાં આખો કેસ ફેઇલ જાય છે. (૩) હાઇટના વાંધાઃ કેટલીક સ્ત્રીઓને પણ ચુંબન પદ્ધતિ માફક આવતી નથી. બન્ને પાર્ટીઓની જુદી જુદી હાઇટને પાપે ચુંબન વખતે ઘણાંને ઘણી તકલીફ પડે છે. બેન્કવાળા અમારા પરવિણ ભ’ઈ જ્યાં જાય છે ત્યાં એમની હાઇટ ઓછી પડે છે એટલે ઝાડ નીચે ઊભેલું ઊંટ ડોકી ખેંચાય એટલી ઉપર ખેંચીને પાંદડા ખાવા બન્ને હોઠ લબડાવે, એમ પરવિણીયાને દરેક વખતે ગરદન ખેંચવી પડે છે. અલબત્ત, ગુજરાતના કેટલાંક જીલ્લા-તાલુકાઓમાં ચુંબનોના વિકાસ માટે સ્ટૂલ-ટેબલ જેવા ફર્નિચરનો ઉપયોગ પણ થઈ રહ્યો છે, જેમાં બેમાંથી ફક્ત એક પાર્ટીએ સ્ટૂલ પર ઊભા રહેવાનું અને બેલેન્સ જાળવવાનું ઘ્યાન રાખવાનું હોય છે. આ પદ્ધતિમાં શરૂઆતમાં થોડી તકલીફ પડે છે, પરંતુ એક વખત સ્ટૂલ પર હાથ-સૉરી, પગ બેસી ગયા પછી તો એટલું ફાવી જાય છે કે, જ્યાં જાય ત્યાં પાર્ટી એ સ્ટૂલ સાથે રાખવાનું ભૂલતી નથી. આમાં વાત મજબુતીની કરવાની હોય તો કહી દઉં કે, પદ્ધતિ સારી છે... ચુંબન લાંબુ ચાલે કે ન ચાલે, સ્ટૂલ બહુ લાંબુ ચાલે છે. (૪) વાઇડ બૉલઃ કેટલીક મહિલાઓ ચુંબનમાં ‘વાઇડ-બોલ’ પદ્ધતિ અપનાવતી હોય છે. ધસમસતી આવતી ટ્રકને જોઈને કાચી સેકન્ડમાં માતા પોતાના બાળકને રૉડ પરથી ખેંચી લે, એમ પેલો માતેલો સાંઢ ચુંબન કરવા ડોકી આગળ લઈ આવે, બરોબર એ જ ક્ષણે પેલી જાગૃત મહિલા, ખભો ત્યાંનો ત્યાં રહેવા દઈ, ડોકી સાઇડમાં ખસેડી લે છે. ક્રિકેટમાં ‘વાઇટ બોલ’ શબ્દ આના કારણે જ આવ્યો. આમને આમ, કેટલીક ચતુર મહિલાઓ તો આખી ઑવર મૅઇટન ખેંચી કાઢે છે. અહીં ગેંદ બલ્લે કા ભીતરી કિનારા ભી લેતા નહિ હોવાને કારણે ગોરધનનું મોઢું સખત પડી જાય છે, કારણ કે આવા કિસ્સામાં ઑવર બીજાંને નાંખવા આપી શકાતી નથી. (૫) વ્યવસાયની અસરઃ ચુંબન આમ જુઓ તો કલા છે, સાધના છે, તપ છે, અભિવ્યક્તિનો એક પ્રકાર છે. આત્માનું આત્મા સાથેનું મિલન છે. ચુંબન કરતા પહેલાં સ્કૂલના માસ્તરોને આવું બઘું સમજાવવાની આદત પડી હોવાથી એ લોકો કદાપિ સફળ ‘ચુંબનીયાઓ’ બની શકતા નથી. જેમનો વર ટીચર હશે, એને આ બધી ખબર હશે. આમાં ‘ચુંબનના મૂળભૂત ગુણધર્મો અને તેની આડઅસરો’ સમજાવવા બેસવાનું ન હોય! આમાં તો પ્રાર્થના પૂરી થાય ને પહેલાં પીરિઅડનો બેલ વાગે એ સાથે જ શિક્ષણ કાર્ય શરૂ કરી દેવાનું હોય, અને એ પણ થીયરી નહિ, પ્રેકિટકલ! કવિઓ-લેખકો પાસે ય ચુંબનો ન કરાવાય! હોઠ જોઈને સૌથી પહેલી મેેેથી મારે ગુલાબની પાંખડીઓની! ‘‘અહો! આ તો અધર છે કે પુષ્પ ગુલાબના?’’ પેલી ઊંચી નીચી થતી હોય પણ આ લલ્લુ ગુલાબનો આખો બગીચો ઉખેડી ન નાંખે ત્યાં સુધી હખણો બેસી ન રહે. ટપોરીઓ સીધેસીઘું થતું હોય તો ય પેલીના બરડા ઉપર ખંજરની અણી અડાડેલી રાખી બચ્ચીઓ ભરે, ‘‘એ ય... સીધી જ ખડી રહેને કા, ક્યા? વરના ટપ્પકા ડાલૂંગા!’’ ને ભલભલા ડૉક્ટરો વાઇફના હોઠ ડેટોલથી સાફ કર્યાં પછી કિસ કરે છે... નર્સોના પણ! જ્યાં ત્યાં બૅટરી મારવાની આદત પડી ગઈ હોવાથી ડૉક્ટરો કિસ કરાવવા માટે ય પેલીનું મોઢું ખોલાવી ‘‘આઆયાયા’’ કરાવે... એમનાં ચુંબનો હોઠને બદલે ઠેઠ કાકડા સુધી પહોંચ્યા હોય! તો બેન્કવાળાને રસ બૅલેન્સ ટેલી કરવા પૂરતો એટલે સવારનું એક ઘેર અને બપોરનું બેન્કમાં! (૬) જંગલી-જનાવર પદ્ધતિઃ ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રમાં બહુધા ચુંબનો નિષ્ફળ જવાનું એક કારણ વિદ્વાનોએ પણ આપે છે કે, ૯૦ ટકા ભારતીય પતિદેવોને ચુંબન કરવા અને જામફળ ખાવા વચ્ચેના તફાવતની ગતાગમ પડતી નથી. એ લોકો ભૂલી જાય છે કે, અહીં અખરોટ તોડવાનું નથી. અહીં તો ‘વિના સહકાર નહિ ઉદ્ધાર’ની ભાવનાથી હળવે હળવે હોઠોના કામણ પાથરવાના છે. ‘એક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ’ એમ જાળવીને આગળ વધવાનું હોય એને બદલે પેલી સાથે ‘હુતુતુતુ’ રમવા આવ્યો હોય અને પાટે અડી આવવાનું હોય એવો જંગલીની માફક ધસે છે. ટ્યૂબ લાઇટ નીચે બેઠેલી ગરોળી અચાનક જીવડું ખાવા મોઢાંનો ઝટકો મારે એવો ઝટકો આ ગોરધન કિસ કરવા મારે છે. મૃદુતા તો ઘેર ગઈ એને બદલે ગોરધન લુહારી કામ કરવા માંડે છે, જેને પરિણામે પેલી લાઈફ-ટાઇમમાં એને બીજો ચાન્સ આપતી નથી. (૭) ડરઃ ચુંબનોનું તો એવું છે કે, ‘‘માંહી પડ્યા તે મહાસુખ પામે, દેખનારા દાઝે જોને!’’ એ મુજબ, અમેરિકા જેવા દયાળુ દેશમાં તમે જાહેરમાં કિસ કરી શકો છો, તમારી ગાડીમાં પણ! (થ્રી-ડબલ્યૂઝ પૈકીના એક ‘ડબલ્યૂ એવર્ટન વીક્સ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટનાં મહાન બેટ્સમેન હતા. વોરેલ, વીક્સ અને વૉલ્કોટ! એમાંના એવર્ટન વીક્સે આ લેખના લખનારને ટેપ રેકોર્ડેડ ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કહ્યું છે કે, વેસ્ટ ઇન્ડીઝમાં રસ્તે જતી કોઈ પણ સ્ત્રીને કોઈપણ ઓળખાણ વગર તમે કિસ કરી શકો... ત્યાં આ બઘું સાવ કોમન છે...’ આ સાંભળ્યા પછી બીજા જ દિવસની ફલાઈટ પકડીને હું વેસ્ટ ઇન્ડીઝ ઉપડવાનો હતો, પણ ત્યાં જ પેલીએ ફાચર મારી, ‘‘હું ય સાથે આવું... ફાયદો તમને એકલાંને શું કામ થાય?’’) આ બાજુ ભારત જેવા પવિત્ર દેશમાં જાહેર રસ્તે તો ઠીક, ચપોચપ બંધ કરેલાં ફલેટના માળીયામાં ય ચુંબન કરતા ડરવું પડે છે... પાડોસીઓ ત્યાં ય કાણાં પાડીને જુએ એવા હોય છે, મૂઆઓ! ‘‘કોઈ જોઈ જશે’’ વાળી બીક તો દૂર બેઠેલી પ્રેમિકાને ચુંબનો મોકલાવતા હો, તો ય લાગે છે ત્યાં હાજરાહજુર બઘું પતાવવાનું હોય ત્યારે બીક તો લાગે ને? ચુંબનનું બીજું ય એક ગણિત છે. માંગો એટલે તરત મળે એવા હાજર સ્ટોકના ચુંબનોમાં કોઈ મઝા નથી... થોડી તડપ પણ જોઈએ! ભારતમાં ચુંબન-પદ્ધતિ નિષ્ફળ જવાના કારણો આપણે હિંમતપૂર્વક તપાસ્યાં એટલે હવે મૂળ વાત પર આવીએ કે, ઓસ્ટ્રેલિયામાં આવી સ્પર્ધા યોજાય તો ભારતમાં કેમ નહિ? ભારતમાં દરેક બાબતે, વારા પ્રમાણે નંબર આવે એની રાહ જોવા લાઇનમાં ઊભા રહેવું પડે છે, માટે!

No comments: