Tuesday, December 09, 2008

Tamari ketli aangadiona tachaka phute chhe?

મહાત્મા ગાંધી, નરેન્દ્ર મોદી, શિલ્પા શેટ્ટી અને ડોન બ્રેડમૅન વચ્ચે કૉમન શું ? એ જ કે, આ ચારે ય માંથી એકેને પોતાની આંગળીઓના ટચાકા ફોડતા કોઇએ જોયા નથી. આ કાંઇ હરએકના ગજાની વાત નથી. ઝનૂનો તો ઘણાને ઉપડતા હોય કે, તોડી નાંખું ને ફોડી નાંખુ ને પછી તો એવા તાનમાં આવી જાય કે, ઊગી હોય એ બધી આંગળીઓના ટચાકા ફોડવા માંડે. એમાં કોઈ કલા, સંગીત કે વિજ્ઞાન-બિજ્ઞાન નથી. શક્તિ-પ્રદર્શન પણ નથી. હૂલ્લડો દરમ્યાન દુકાનોના શટરો તોડનારો કે યુદ્ધભૂમિમાં દુશ્મના સેના ઉપર ધગધગતા લાવા સમા ગુસ્સાથી દુશ્મનોના માથા ફોડી નાંખનારો યોદ્ધો, વખત આવે પોતાની આંગળીઓના ટચાકા ફોડી શકતો નથી. આમાં તો, ‘‘માંહી ફોડ્યા તે મહાસુખ પામે...’’ જેવું કામકાજ હોય છે. જેણે ફોડ્યા હોય, એને જ ખબર પડે કે, ફોડી લીધા પછી કેવા પરમસુખની અનુભૂતિ થાય છે...

ટચાકાની દુનિયાનું મુખ્ય સૂત્ર એ છે કે, એક ફોડ્યા પછી બીજો ફોડવાનું મન થાય જ. આ કાંઇ દિવાળીનું દારૂખાનું નથી કે આજે એક ફોડી લીધો, કાલે બીજો ફોડીશું, એવો સંયમ રહી શકે. ટચાકા જીવનની એ ક્ષણોએ ફોડવામાં આવતા હોય છે, જ્યારે તમે સાવ નવરાઘૂપ બેઠા હો ને બીજો કોઇ કામધંધો હોય નહિ. શું કરવું, એની સમજ પડતી ન હોય, એવા આલમમાં મોકો જ્યારે કોઇના માથા ફોડવાનો મળ્યો હોય, ત્યારે લોકો પોતાના આંગળાના ટચાકા ફોડીને હાથમાં આવેલી તકોને વેડફી નાંખતા હોય છે.

બહુ ઓછાના માનવામાં આવશે કે, બધે બધી દસે દસ આંગળીઓના ટચાકા કોઇ ફોડી શકતું નથી. એક-બે તો રહી જ જાય, ભલે તમારા વિચારો સ્વામી વિવેકાનંદ જેવા હોય, ભૂજાઓમાં ‘ધી ગ્રેટ ખલી’ જેવું બળ હોય અને અગાઉ અનેકવાર ઘરના કપ-રકાબીઓ ફોડી ચૂક્યા હોય, પણ ટચાકા ગુજરાત યુનિવર્સિટીના પૅપરો જેવા નથી કે, જે આવ્યું, એ ફોડતો જાય. કહે છે કે, શરૂઆતના તરવરાટમાં બે-ત્રણ આંગળાના ટચાકા તો ફૂટી જતા હોય છે... પણ તકલીફ પછી પડે છે. કેટલાક મક્કમ મનોબળવાળા તો છ-છ સાત-સાત આંગળાના ફોડી શકે છે, પણ ધેટ્સ ઑલ....ત્યાંથી આગળ વધવા માટે કાં તો નસીબ જોઇએ ને કાં તો આંગળા બીજાના જોઇએ.

પણ લોકો કહે છે કે, જેની દસે-દસ આંગળીઓના ટચાકા ફૂટે છે, એ બહુ લાંબુ જીવવાનો છે, કારણ કે એના હાડકા મજબૂત છે. ઘઇઢીયાઓ એવું માને છે કે, દસ ટચાકા ફૂટી જાય તો ૨૪-કલાકમાં ધાર્યું કામ થઈ જાય, જ્યારે સુંદર આંગળા ધરાવતી હૉલીવૂડની ઍક્ટ્રેસ ઍન્જેલીના જાૅલી કહે છે, પુરૂષો દસ ટચાકા ફૉડી શકતી સ્ત્રીના તાબડતોબ વશમાં આવી જાય છે. (... આપણે તો આવી વાંદરીઓથી આઘા રહેવું સારૂં...હકી ખીજાય !)
સફળતાપૂર્વક ટચાકા ફોડવાની અનેક પદ્ધતિઓ અમલમાં છે, જેમાંની અતિ પ્રસિદ્ધ થયેલી પદ્ધતિ નં. ૧- (Ø) મુજબ, આંગળીઓને એકબીજામાં કસોકસ પરોવીને છાતી તરફ જોર આપો. જોરો અપાઈ ગયા પછી, ચાર-પાંચ વાર મુઠ્ઠી ઉઘાડ-બંધ કરો, એટલે તમે ટચાકા ફોડવા તૈયાર થઈ ગયા કહેવાઓ.

પદ્ધતિ ૩૩-સી મુજબ, સૌ પ્રથમ તો આઠેય આંગળીઓના ટેરવાઓને એકબીજાને જકડીને અડાડી દો. બન્ને અંગૂઠા તમારા મોઢાં સામે આવે, એમ આંગળીઓની શક્ય હોય એટલી ભીંસ મારો. આને ઇંગ્લિશમાં ‘વૉર્મ-અપ’ કહેવાય, એટલે કે તમે હવે તમારી ઇચ્છા મુજબના ટચાકા ફોડી શકો છો.

બસ. ત્યાર પછીની ક્રિયાઓ તમામ પદ્ધતિઓ માટે કૉમન રહે છે.

ટચાકાઓ ફોડવા આપણા બ્લડમાં જ ન હોવાથી, ઘણાને પ્રારંભિક ભય રહેતો હોય છે, કે હાળા આંગળા-બાંગળા મયડાઈ તો નહિ જાય ને ? અહીં એક ટચાકા-ગુરૂ તરીકે મારે કહેવું જોઈએ કે, પહેલી વાર (પોતાની) વાઇફની ડીલિવરી કરાવતો ગોરધન, પહેલી વાર (બીજાની) વાઇફની ડિલિવરી કરાવતો ગોરધન અને પહેલી વાર પોતાના આંગળાના ટચાકા ફોડવા માંગતો નવજવાન જો હિમ્મત હારી જશે તો...તો બહુ ખોટું થશે કારણ કે, આ ત્રણે કાર્યોમાં પાર્ટીએ જાતે જ ઉપસ્થિત રહેવાનું જરૂરી હોય છે. બહારની પાર્ટીઓ લાભ લઈ જાય, એ ઠીક નથી.
ઓકે. મૂળ તાલીમ પર આવીએ. ટચાકા ફોડવાનું પ્રથમ પગથીયું ટચલી આંગળી મનાયું છે. ત્યાંથી શરૂ કરો તો અંગુઠે પહોંચતા ઝાઝા દિ’નો થાય. ટચલીને ફોડવા માટે, એને તમારી લગ્ન પહેલાની સાળી માની લેવી પડે. યાદ કરો, પહેલાં સાળીને ફોડી બતાવી, ત્યારે હાલના અ.સૌ. કનકલક્ષ્મી હાથમાં આવ્યા હતા. ટચલીનો ટચાકો ફોડવા માટે સામેના હાથના અંગૂઠા વડે ટચલીનો છેલ્લો વેઢો ભીંસમાં લઇ ભારે દબાણ આપવાનું હોય છે. દબાણની આ પ્રક્રિયા દરમ્યાન વચમાં ક્યારેક ‘ટચ્ચાક...’ નામનો ઘ્વનિ સંભળાશે. આ ઘ્વનિને આપણી પહેલી સફળતા માની લેવી.

‘‘શું ટચાકો ફોડતી વેળાએ પારાવાર દુઃખ અને વેદનાની બૂમો નહિ પડાઇ જાય ?’’ એવો પ્રશ્ન અમને ઘણી વાર કરવામાં આવે છે. મિત્રો, ઘ્યેયપ્રાપ્તિના માર્ગમાં દુઃખો તો આવવાના. હજી તો બીજા નવ દુઃખો બાકી છે. ‘‘ઐસે મેં જો પાયલ તૂટ ગઈ, ફિર અય મેરે હમદમ ક્યા હોગા ?’’

એ પછી તો મન ફાવે તેમ બાકીના આંગળાઓને ભીંસમાં લઈ શકાય. શુકન-અપશુકનમાં માનતી અને દર વર્ષે ભૂલ્યા વગર વટસાવિત્રીનું વ્રત કરતી ઘણી મહિલાઓ ટચલીની સામે બીજી ટચલીનો ટચાકો ફોડે છે, જેથી એમના ગોરધનનું આયુષ્ય લંબાય...એ વાત જુદી છે કે, આ જાણ્યા પછી સારા અન સંસ્કારી ઘરોની શિક્ષિત મહિલાઓ ભૂલેચૂકે ય ટચલીના ટચાકા ફોડવાનું જીવનભર નામ નથી લેતી.

સાંભળ્યું છે, લોકો પગના આંગળના ય ટચાકા ફોડે છે, પણ એમને વાળીને દબાવવાના બદલે ખેંચાવાના હોય છે. પ્રમાણમાં પગના ટચાકા ઓછા દુઃખદાયક હોય છે. અલબત્ત, એમાં ‘વિના સહકાર નહિ ઉઘ્ધાર’ની પઘ્ધતિ વાપરવી પડે છે. જાતે આંગળા ખેંચવા લગભગ તો પૉસિબલ નથી હોતું અને જો હોય તો એટલું સરળ નથી હોતું. આમાં ખેંચી આપનારે ટાઇમિંગ અને કૌશલ્યનું ખૂબ ઘ્યાન રાખવું પડે છે. ખેંચાવનારે પગ અને ખેંચનારે હાથ ધોયેલા હોવા નિહાયત જરૂરી છે. બેમાંથી એકે ય પાર્ટીના હાથ કે પગના આંગળા તેલવાળા ન હોવા જોઈએ. લોખંડના બિંબ ભરેલા ખટારામાંથી મજૂરો ‘‘જોર લગા કે હૈ....યા’’ના ઝનૂન સાથે બિંબો ખેંચે છે, એમ અહીં કોઇના પગના અંગૂઠા ખેંચી ન નંખાય. એની સાથે એટલું પણ જરૂરી છે કે, પૂરા શરીરના વજન સાથે પોતાના બન્ને પગ ભીંતમાં ભરાવીને ૪૫ અંશના ખૂણે, બીજાના અંગૂઠા ખેંચી આપતો છત્રીસની છાતીવાળો યુવાન જો બૅલેન્સ અને પક્કડ વ્યાજબી ભાવે નહિ રાખે તો અનેક હડબોટીયા ખાઇ જવાના ભયસ્થાનો રહેલા છે.

અલબત્ત, આ બધી ફોડાફોડીમાં એક સવાલ અચૂક થાય છે. શું ટચાકા ફોડવા જરૂરી છે ? એમાં બુઘ્ધિનું કોઇ કામ છે ? ડૉક્ટરો, પહેલવાનો, તબલચીઓ અને યોગગુરૂઓ ટચાકાને માન્યતા રાખે છે ખરા ?

આપણે ઘણાં કામો એવા કરીએ છીએ, જે કરી લીધા પછી પણ ખબર પડતી નથી કે, મેં આ કેમ કર્યું ? ટચાકા ફોડવા આવું જ એક કામ છે, જે ન ફોડો તો કોઇ પૂછતું નથી અને ફોડી લીધા પછી એનો પસ્તાવો કે આનંદ થતો નથી. આના કોઇ રૅકૉડ્ર્સ નોંધાતા ન હોવાથી, દસ-બાર ટચાકા ફોડી લીધા પછી કોઇ વિક્રમ સ્થાપ્યો હોવાનું ગૌરવ થતું નથી.

માણસો બુદ્ધિ વગરના તો અનેક કામો કરે છે, પણ એ બધામાંથી ય કાંઇક પામવાની લાલચ હોય છે, જુગાર હોય છે, પણ ટચાકા ફોડવામાં કોઇ લૉજીક મળતું નથી. મેં ઑર્થોપૅડિક ડૉક્ટર-દોસ્તોને ય પૂછ્યું કે, આનાથી કોઇ ફાયદો કે નુકસાન થાય છે ખરૂં ? કૅન યૂ બીલિવ...? બધા ડૉક્ટરોએ કીઘું કે, ખુદ મૅડિકલ સાયન્સ પણ હજી શોધી શક્યું નથી કે, લોકો ટચાકા કેમ ફોડે છે ? ફોડે ત્યારે અંદરથી જે ‘‘ટચ્ચા....ક’’ કરતો અવાજ આવે છે, તે શેનો, શું અથડાવાથી આવે છે અને ફોડ્યા પછી કોઇ ફાયદો કે નુકસાન થાય છે કે નહિ, તેની જાણકારી ઑર્થોપૅડિક સાયન્સ પાસે ય નથી. માનવજીવનનું આ એક જ કામ એવું છે, જે જીંદગીભર ન કરો કે રોજ કરો તો ફાયદો કે નુકસાન કાંઇ નથી, એવું ડૉક્ટરોએ મને કીઘું છે.

તો પછી...ફોડી નાંખો બે-ચાર...!

No comments: