Wednesday, December 10, 2008

Saari chaa!

બહુ સમજી વિચારીને સીધો આક્ષેપ જ કરૂં છું કે, આપણી ૯૦-બેવુ નહિ, સોએ સો ટકા ગુજરાતી સ્ત્રીઓને ચા બનાવતા.... આઇ મીન, સારી ચા બનાવતા નથી આવડતી. રસોઈ-પાણીમાં બીજું બઘું તો સારૂં બનાવતી હશે. (એક બહેનને તો સ્વાદિષ્ટ મઝાના ભાત બનાવતા પણ જોયાં છે... કહે છે કે, ભાત બનાવવામાં એમને બહુ બુદ્ધિ વાપરવી પડે છે...!) પણ ચામાં ભલભલી ગુજરાતણોની ‘દાળ ગળતી નથી’ (ચામાં દાળ ગળવાનું ગ્રામર બરોબર છે ?) ફ્રેન્કલી મને ૪૮ થયા, એમાં સારી ચા કોને કહેવાય એનું ભાન પડવાના આઠ વરસ કાઢી નાંખીએ તો ૪૦ વર્ષમાં રોજની એવરેજ ૩ કપ ચા ગણતાં આજ સુધી મેં ૪૪,૦૦૦ કપ ચા પીધી કહેવાય. જાતનો બ્રાહ્મણ છું એ જોતાં ૪૪-માંથી એકાદ હજાર કપ મારા ઘરની ચા પીધી ગણતા ગુજરાતની લગભગ ૪૩,૦૦૦ કપો ચા મેં બહાર પીધી ગણાય. હોટલ-લારી કે રેલવેની ૧૦-૧૫ હજાર કપ બાદ કરી નાંખો ને કોણ ના કહે છે, પણ તો ય બાકી રહેતા ૩૦,૦૦૦ કપો ચા મેં ગુજરાતણોના હાથની પીધી હશે કે નહિ ? એક્કે ય માં ઠેકાણા નહિ, વાત શું કરો છો ? કોકની ચા પાણી જેવી હોય, કોકની શેરડીના રસ જેવી ગળી તો કોકની શિવામ્બુ જેવી ! (મેં હજી સુધી શિવામ્બુ ચાખ્યું નથી, પણ કેટલાક ઘરોમાં ચા પીઓ એટલે એમના ઘરમાં વાપરતા વધેલું શિવામ્બુ આપણને પીવડાવતા હોય એવું લાગે !) ગળામાં, છોલ્યા વગરનો લાકડાનો કકડો ભરાઈ ગયો હોય એવો ગરમ મસાલો ચામાં કેટલીક ગૃહિણીઓ નાંખતી હોય છે, તો બાકી વધેલ તમામ ગુજરાતણોનો એક અવગુણ કોમન... કાં તો દૂધ કાં તો ચા કાં તો બન્ને ઓછાં નાંખીને ચા બનાવવામાં આપણી સ્ત્રીઓનો જોટો જડે એમ નથી... પાછું, આવી ભંગારના પેટની ચા પીવડાવ્યાં પછી આપણને પૂછે, ‘બરોબર થઈ છે ?’ આવીઓના તો વરો માંદા પડે ત્યારે એમને ગ્લુકોઝને બદલે એણે બનાવેલી ચાના બાટલા ચઢાવવા જોઈએ ! અહીં ગુજરાતણો લખ્યું એમાં મરાઠી, પંજાબી, મારવાડી, કન્નડા, મલયાલી, બેંગોલી કે તમિળ સ્ત્રીઓએ બહુ ફિશીયારીઓ મારવાની જરૂર નથી આ કૉલમમાં જ્યારે પણ ‘ગુજરાતણ’ શબ્દ વપરાય એટલે એમાં તમે બધીઓ આવી ગઈઓ, સમજવાનું... ગુજરાતમાં રહે એ ગુજરાતણ ! વળી, હું આ બધીઓને ત્યાં ચાઓ પી આવ્યો છું એટલે ખોટાં વહેમો તો મારવા જ નહિ કે, ચા બનાવવામાં અમે ગુજ્જુ સ્ત્રીઓ કરતાં સ્હેજ બી ઊંચીઓ છીએ... માય ફૂટ ! સાંભળ્યું છે કે, સારી ચા બનાવવા માટે બહુ લાંબી બુદ્ધિની જરૂર પડતી નથી, એ જ કારણે ઘણાં ઘરોમાં સવારની ચા તો હસબન્ડોઝ બનાવતા હોય છે. ઘણાં ગોરધનો પોતાની બનાવીને પી લે, એ તો ચલાવી લઈએ, પણ લલવાઓ વાઇફની ચા ય પોતે બનાવીને પીવડાવી આવે છે. એ વાત જુદી છે કે, કેટલાંક ગોરધનોનું મનપસંદ પીણું ‘હલાવીને પીવાની ત્રણ ચમચી દવા’ ન હોવાથી, વાઇફે બનાવેલી ચા પસંદ કરતા નથી. ટી.વી. પર આવતી ચાની ઘણી ઍડ ફિલ્મોમાં ગોરધન વાઇફે બનાવેલી ચાની એક ચુસકી મારીને આપણી સામે જોઈ હસે છે, ત્યારે મારી સખત હટી જાય છે... કે, ‘ચા સારી બની એમાં તું શેનો હસ હસ કરે છે, વાંદરા... જે કાંઈ કમાલ છે એ ‘ચિપટન’ કે ‘જેમ્સબૉન્ડ’ ચાના જાંબલી લૅબલની કમાલ છે... તારી વાઇફને તો સરખાં કપડાં ધોતાં ય નથી આવડતું ને પાછો ચુસકી મારીને એની સામે હસે છે ?’ આશરે ૨૩ હજાર વર્ષ પહેલાં ઉત્તર ચીનનાં ફૂંગ-ચી-હો પરગણામાં એવી માન્યતા પ્રવર્તતી હતી કે, ચા-કૉફી બનાવવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો જરૂરી છે પણ એ પછીના લગભગ ૧૫૬૭ વર્ષો પછી ફૂંગ-ચી-હો પ્રાંતના લોકોને આપણી ગુજરાતણોએ બનાવેલી ચા ડોલચા ભરીને મોકલવામાં આવી ત્યારે એ લોકોને ખ્યાલ આવ્યો કે, ચા બનાવવામાં પઈની અક્કલે વાપરવી પડતી નથી. આમાં તો આડેધડ દે જ દે કરવાની હોય છે. એવું ચીનના વિશ્વ વિખ્યાત સાયકલ પ્રવાસી હુઆ-ફૂઆ-ફેંગે તેની ડાયરીમાં ‘ગુજરાતણોની ચા કોફી’ પ્રકરણમાં બોર થઈને લખ્યું છે. આશરે અઢી હજાર વર્ષ પહેલાં લખાયેલી વાદળી પુંઠાની આ ડાયરીમાં એક જગ્યાએ તો હુઆએ નીચે લાલ અન્ડરલાઇન કરીને ગુજરાતીમાં શાયરી લખી છે ઃ ‘‘હતા શંકર સુભાગી કે દીઘું’તું એને દેવોએ, પીઉ છું હું તો ગુજરાતણનું દીધેલું ઝેર રકાબીમાં’’ પ્રશ્ન એ થાય છે કે, આમ ખૂબ પ્રેમથી જમાડનાર ગુજરાતણો ચા બનાવવામાં જ કેમ વેઠ ઉતારે છે ? એમ કહેવાય છે કે, સ્ટેટસ-બેટસની ભાણી પૈણાયા વગર સાચે જ સારી ચા પીવી હોય તો ફાઇવ-સ્ટાર હોટલને બદલે ચાની કોક લારી પર પહોંચી જાઓ... એકદમ ઝક્કાસ ચા મળશે બિડ્ડુ ! હા, એનો મતલબ એ પણ નહિ કે, સારી ચા પીવા માટે રોજ સવારે લારીવાળાને આપણ ઘેર બોલાવી લેવાનો ને અડધી કલાક એની લારી સંભાળવા વાઇફને મોકલી આપવાની ! આપણે ચાની દુનિયામાં સમૃદ્ધ થઈ જઈએ, પણ લારીવાળાના ધંધાના ભૂક્કા બોલી જાય ને, બૉસ ? સદીઓ પહેલાં ભારત દેશ ઉપર શક, કુશાણ અને હુણો ચઢી આવેલાં, એ લોકો એવું માનતા કે ગુજરાતણોએ સારી ચા પીધી હોય તો બીજા માટે સારી બનાવે ને ? એક જ નિયમ નક્કી કે, બે કપ ચા બનાવવા માટે એક કપ દૂધ, બે ચપટી ચા, બે ચમચી ખાંડ અને બે કપ પાણી છાંટયું એટલે ચા તૈયાર... પણ પીનારના મોઢા સામે એકવાર જુઓ તો ખબર પડે કે, આના કરતાં તો ડીટર્જન્ટની ભૂકીવાળું પાણી ગરમ કરીને પીવડાવી દીઘું હોત તો, બીજું બઘું તો ઠીક, એના મોઢામાંથી સાંજ સુધી ફીણના ફુગ્ગા તો નીકળે રાખત ? ઇતિહાસકારો કહે છે કે, ફાધરનું કિંગડમ સમજીને ભારતમાં રહી જવા માગતા મોગલો કે અંગ્રેજોને આપણા રાજા-મહારાજાઓ કે મહાત્મા ગાંધીએ નથી કાઢયાં. ગુજરાતણોની ચાએ કાઢયાં છે. આ જ કારણે ગુજરાતીઓને અમેરિકાના વીસા જલ્દી મળતાં નથી ‘હં હં... આ લલ્લુઓને ચાનું તો ભાન નથી, ત્યાં મોનિકાને શું પીવડાવશે ?’ બીજું એક કારણ ભગવત-ગીતામાં લખ્યું છે કે, ગુજરાતણો ચાને મેહમાનો ભગાડવાનું સાધન સમજે છે, એટલે વેતા વિનાની ચા બનાવે છે. મને યાદ છે કે ઇન્જેક્શન માર્યા પછી ડૉક્ટરો પેશન્ટને રીએક્શન આવતું તો નથી ને, એ જોવા દસ મિનિટ બેસાડી રાખે છે, એમ ઘણી ગૃહિણીઓ ચા પીવડાવ્યા પછી તરત આપણને ઉઠવા દેતી નથી... નસીબ હોય તો, પોતાના કાંડાની કમાલ દસ મિનિટમાં જ જોવા મળે માટે ! યાદ હોય તો જેના ઘેર આપણને ચા પીવડાવવાના જબરદસ્ત ઝનૂનો ઉપડયા હોય, એ મહિલાનો ગોરધન કદાપિ પોતાની ચા મુકાવતો નથી કે આપણામાંથી અડધી લેતો નથી. ‘અરે લો ને.. લો ને... પીવાઈ જશે... ક્યાં વધારે છે ! હું તો હમણાં જ જમીને ઊભો થયો... તમે લો.. તમે લો...!’ વાંદરો બઘું જાણતો હોય કે, આવી પેટીનો માલ આપણે અડવા જેવો નથી એટલે એ તો શેનો અડધી ય લે ? પણ આપણને ખુન્નસ એના શબ્દો પર ચઢે, ‘લો ને પીવાઈ જશે... કયાં વધારે છે ?’ મતલબ કે, જાણતો તો એ ય હોય છે કે, નાક બંધ કરીને પી જવો પડે એવો આ માલ છે... અને શું એ નથી જાણતો કે, ઝેર વધારે કે ઓછું ન હોય... ઝેર એ ઝેર જ છે... બહુ ડાયો થયા વિના તું ય પીને સાથે ? અફ કૉર્સ, તમે બધાં છેલ્લી ૧૩ મિનિટથી જાણવા આતુર હશો જ કે, ‘માનનીય અશોકભાઈ... આવી ચાઓથી બચવાનો શું કોઈ ઉપાય છે, તમારી... સૉરી આપની પાસે ?’ જરૂર ઉપાય છે, ભક્તો ! જે હું કરૂં છું એ તમે કરો ! પરાણે ચા મૂકવાની પેલી બહુ ટેં ટેં કરતી હોય તો મોઢું સ્મિતવાળું રાખીને કરો વિનંતી, ‘જી હું ચા-કૉફી તો પીતો જ નથી... થોડું કેસર નાંખેલું કઢેલું દૂધ જ પીઉ છું...!’ આટલું કાફી છે...! જીંદગીભર તમને ચા પીવડાવવાનું નામ નહિ લે ! ઝેર પીવડાવશે પણ ચા નહિ !


સિક્સર
મસ્જીદમાં માઇક ઉપર અઝાન પઢતાં- બાંગ પોકારતાં સંતનો એકનો એક અવાજ સાંભળીને કંટાળેલા બેટાએ એનાં અબ્બાજાનને ફરિયાદ કરી, ‘યે કુછ બરાબર અઝાન નહિ પઢતે... કહો ના ઠીક તરહા સે પઢે !’ અબ્બાજાન કહેવા ગયા તો પેલાએ સંભળાવી દીઘું, ‘...અબ ક્યા દો સૌ રૂપયે મેં મોહમ્મદ રફી કી આવાઝ નીકાલું ?’

1 comment:

વિનય ખત્રી said...

can't read. which font?

-Vinay Khatri
http://funngyan.com