Tuesday, December 09, 2008

Chalti ka naam Gaadi!

ઝવેરીલાલ તો ફોટો પાડી લાવ્યા ને લખી માર્યું કે, ફિયાટ ગાડીઓનો હવે કોઇ ભાવ પૂછતું નથી.. અઢી-ત્રણ હજારમાં ગધેડે પિટાય છે ને વેચવા જાઓ તો કબાડીવાળા ય લેતા નથી. એમને ફોટા પાડતા વિચાર નહિ આવ્યો હોય કે આમાં તો કોઇનું ઘર નહિ તો છેવટે ગાડી ભાંગશે. એક ગરીબ અને ફિયાટવાળો બ્રાહ્મણ લેવા-દેવા વગરનો સૂકાઇ જશે? ગાડી હોવા છતાં બ્રાહ્મણને ગરીબ કહેવો પડે, એનું નામ જ ફિયાટ કાર. હું તો જાણે ભિખારી હોઉં ને રેલ્વે-સ્ટેશને રોજ ઉભા રહી, માંગી માંગીને ફિયાટ લઇ આવ્યો હોઉં એમ વાઇફે છણકો કરીને કહી દીઘું, ‘હવે આ ઠાચરૂં વેચી નાંખો ને કોઈ ઢંગની સારી ગાડી લઇ આવો. આપણી બધી પાડોસણો ફ્રન્ટી, સીએલઓ અને સાન્ટ્રોમાં ફરે છે ને મારો રૂડો રૂપાળો કુંવર કનૈયો ચાની લારી લઇને નીકળ્યો હોય, એમ આ ફિયાટમાં ફરે છે.’ લજ્જા અને તતડી ગયેલા એના ગુસ્સાના જવાબમાં મારાથી એમ થોડું કહેવાય કે, હું ટાટા સુમો લઇ આવું. તો શું આ પાડોસણો મારી સાથે ફરશે? તારે એવો ‘ઇગો’ નહિ રાખવાનો કે, મારો વર બી તમને બધીઓને સારી ગાડીમાં ફેરવી શકે છે. આ ફિયાટને બદલે હું કોઇ પ્રેમિકાને લઇને ફરતો હોત તો એણે મને માફ કરી દીધો હોત, એવી ધારણા રાખવાનું મેજર કારણ એ કે, વર્ષો પહેલાં અમે બંનેએ ફિલ્મ ‘મિલન’ સાથે જોઇ હતી જેમાં નવી નક્કોર શણગારેલી ગાડીમાં નૂતન સુનિલ દત્તના ખભે માથુ ઢોળીને બેઠી છે અને બંને જણાં ગીત ગાય છે ‘હમ તુમ, યુગ યુગ સે યે ગીત મિલન કે, ગાતે રહે હૈં, ગાતે રહેંગે.. હોઓઓઓ, હમ તુમ.’ એ જોઇને અમારા બેયથી ઝાલ્યું ન હતું રહેવાણું ને બીજે જ દિવસે હું ભાડાની હર્ક્યૂલીસ સાયકલ લઇ આવ્યો હતો. મને યાદ છે કે, પત્નીને પાછળ સાયકલનો કેરીઅર પર બેસાડી, અમે બંને એ જ ગીત ગાતાં.. ઉમંગમાં ઘણી વાર તો એને બેસાડવાની રહી ગઇ હોય તો એ બેઠી છે એમ માનીને હું એકલે ગળે આખું ગીત પતાવતો અફ કોર્સ, મારી હાઇટ અને ઉંચી સીટને કારણે માથું એ મારા ખભા સુધી ઉંચુ લઇ જઇને ઢાળી ન શકતી. આવા સંજોગોમાં એ મારા બરડા ઉપર માથું ઢાળી નૂતન જેવું ગાવાનો ટ્રાય મારતી. એ જમાનામાં હું વિશ્વનો પ્રથમ પતિ હતો, જેના શર્ટના ખભાને બદલે બરડામાં તેલનાં ધાબાં જોવા મળતા, છતાં અમારા બંનેના ગીતની ક્વોલિટીમાં કોઇ ફેર ન પડતો. હા. સાયકલ પાછળ બેઠી બેઠી એ નાની નાની સપનીઓ જરૂર જોતી કે, મારા વરની ક્વોલિટી જે દહાડે સુધરશે, એ દહાડે મને એ પોતાની ગાડીમાં બેસાડી ગીત મિલનના ગાશે. હું મોટો સપનો જોતો કે, મારી પત્ની મને એરપોર્ટ પર લેવા આવી હોય, અમે બંને ભેટીએ અને પછી ભલે હપ્તેથી લીધેલી ગાડીમાં હું એને બેસાડી આ જ ગીત ગાઉં. પછી તો વર્ષોના વહાણાં વાયા. પરીદેશનો એ સોહામણો રાજકુમાર આગળ જતાં બેન્ક ક્લાર્કને બદલે હાસ્યલેખક થયો અને રાજકુમારી બે ત્રણ બાળકોની માં થઇ એમાં બદું જયશ્રીકૃષ્ણ થઇ ગયું. જમાનાની થાપટોએ રાજકુમારના ગળા અને રાજમાતાને ગીત મિલનની પથારીઓ ફેરવી નાંખી હતી. ગીત તો યાદ હતું પણ ગાડીમાં બેઠાં બેઠાં ગાતાં ફાવતું ન હતું. ગેસનો બાટલો ફાટવાથી આખું બિલ્ડીંગ ધરાશાયી થઇ જાય એમ અમારા ગાયા પછી મૂળ ગીતનાં શબ્દો દટાયેલાં કાટમાળમાંથી માંડ બહાર નીકળતા. બારી બારણાં આમ પડયાં હોય, વૉશ-બેસિનના ટુકડા તેમ પડયાં હોય એમ ‘મિલન’ના મૂળ ગીતના શબ્દોવાળું ‘હમ તુમ’ દટાયેલાં અવાજે ગવાય, ‘યુગ યુગ સે’ જમીનમાં અડઘું દટાયેલું દેખાય ને ‘ગીત મિલન કે’ના તો અસ્થિ ય હાથમાં આઇ-મીન, ગળામાં ન આવે..! ગાડીમાં બેઠાં બેઠાં બહુ બહુ તો ગીત ગવાય, ‘મિલન’ માટે તો આ ઉંમરે ક્યાં પાર્કંિગો શોધવા જવાં?.. છોકરાઓને ખબર પડે તો મા-બાપ મોઢાં બતાવવા જેવા ન રહે. આમે ય, ભારત જેવા દેશમાં કાર એટલે કે, ગાડીનો વપરાશ વધી જવાથી, એમાં બેસનારાઓમાં ડ્રેસ-સેન્સ, મેનર્સ, ટ્રાફિક સિગ્નલ પરનો સંયમ, ભિખારીઓને દૂર રાખવાની કળા (તેમજ કોઇપણ જગ્યાને પલંગ બનાવી દેવાની આવડતો) વધી છે.. અમારા તો સદ્નસીબે ગાડી, જીવનના એ મુકામે આવી જ્યારે ગાડીમાં અમે બંને સાથે નીકળ્યાં હોઇએ તે જોનારાઓ ખુશ થવાને બદલે અમારી દયા ખાતાં. અમસ્તો સાઇડ આપવા માટેય મેં બારીમાં હાથ બહાર કાઢયો હોય, એમાં ગેરસમજ થવાથી રાહદારીઓ મારા હાથમાં પાઇ-પૈસો મૂકવા માંડયા. એ શોપિંગ કરવા ગઇ હોય ને બહાર હું રાહ જોતો ગાડી લઇને ઉભો હોઉં એમાં ય બે-ત્રણ જણાં પૂછી જાય, ‘સી.જી. રોડ આવવું છે?’ હંહ.. ગાડી લઇને નીકળો એટલે તમે એનાં માલિક થઇ જતાં નથી.. લોકો તો સ્ટીયરિંગ પર બેસવાની તમારી સ્ટાઇલ પરથી અંદાજ લગાવી લે છે, કે ગાડી ભ’ઇની પોતાની છે કે ડ્રાયવર તરીકે નોકરીએ રાખ્યાં છે! ગાડી લીધે તો અઢી ત્રણ વર્ષ થયાં પણ ડ્રાઇવીંગ શીખવા કરતા કોને ન શીખવાડાય, એ હું જલ્દી શીખો ગયો, આમ એ મને કે બીજાં કોઇને કદીય ‘ડાર્લંિગ ફાર્લંિગ’ કહેતી નથી. (સ્પેલિંગમાં લોચા પડે એટલે) પણ તે દિવસે ઓફિસમાં ફોન આવ્યો. ‘અશુ ડાર્લંિગ.. આપણે ત્યાં પાર્કંિગનો ભાવ હજાર-હજાર રૂપિયાનો થઇ ગયો છે?’ હું ચમક્યો. ‘ના, ભ’ઈ! ત્યાં ક્યાંથી બોલે છે?’ ‘પોલીસ-સ્ટેશનમાંથી! એક લારીવાળાને જરાક અમથી ટક્કર મારી એમાં તો પોલીસવાળાએ ગાડી જપ્ત કરી લીધી ને પાર્કંિગના હજાર આલવા પડયાં!’ અમદાવાદના ગાંધીનગર-સરખેજ હાઇવે પર ગોતા ગામ ચોકડીથી અંદર જાઓ તો વડસર જવાના રસ્તે લપકામણ ગામ આવે છે, ત્યાંથી એનો ફોન આવ્યો, ‘ડાર્લંિગ.. આપણી ગાડીનાં કાર્બ્યૂરેટરમાં પાણી ભરાઇ ગયું છે.. શું કરૂં?’ મેં કહ્યું, ‘તું ચિંતા ન કર.. ગાડી ક્યાં પડી છે?’ મને કહે, ‘તળાવમાં.’ આવી બધી બબાલોથી કંટાળીને વનફાઇન મોર્નંિગ ગાડી વેચી દેવાનો મને વિચાર આવ્યો. છાપામાં બઘું મળીને ૨૦-૨૫ હજારની ટચુકડી જાહેર ખબરો આપી. બે ત્રણ પાર્ટીઓએ કંઇક આવો રીસ્પોન્સ આપ્યો. (૧) ‘ગાડી તો બૉસ.. લઇ જઇએ.. પણ ઉપરથી મેઇટેનન્સનાં કેટલાં આલશો?’ (૨) તમે પસ્તીનગર વાળો જૂનો ફ્લેટ ફેમિલી સાથે વેચવા કાઢયો હતો એટલે લેવા કોઇ ચકલું ય ફરકતું ન હતું.. ફીયાટમાં આ બઘું રહેવા દેજો! (૩) ‘..અઅઅ બઘું મળીને શેઠીયા.. આ ગાડીનાં તમને રૂા.૧,૧૧૦/- ગણી આલું.. બાર મહિનામાં હપ્તા પૂરા કરી ના આપું તો ગાડી પાછી લઇ જજો, શેઠીયા..! આ મરદના બોલે છે મરદના!’ (૪) ‘દાદુ-મારી સલાહ માનો.. ગાડી વેચવાને બદલે ભાડે ફેરવો.. સવારે સ્કૂલનાં બાળકોની જ વર્ધી કરવાની. બપોરે ઓફિસોમાં ટિફિનો પહોંચાડવાનું કામ અલાવું! બોલો..!’ પણ જોરકા ઝટકા ધીરે સે લગે વાળો પ્રોબ્લેમ તો ત્યાં થાય છે કે, ગાડી લીધાં પછી અમારાં સગાં-સંબંધીઓ અમને પૈસાદાર સમજવા લાગ્યાં છે.. ‘અરે ભ’ઇ, તમારે ગાડીઓ વાળાને શી ચિંતા..! તમારી ફિયાટમાં તો વિમાનના ટાયર ટયૂબ નંખાવો તો ય પોસાય!’ અહીં આપણું મન જાણતું હોય કે, પચ્ચી-પચ્ચી રૂપિયાનું પેટ્રોલ ભરાવીને મોઢાં અને થાપાં બંને માંડ લાલા રાખતાં હોઇએ છીએ. બીજાંઓ મોંઢે ન કહે પણ જરૂરી માહિતી એમનાં બીજાંઓને આપે, ‘બોસ.. કોઇ મોટાનું કરી નાંખ્યું લાગે છે.. નહિ તો નોકરિયાત માણસને ગાડી ને દસ પંદર લાખના ફ્લેટો ક્યાંથી પોસાય? લેખો લખી લખીને તો લૂનામાં પેટ્રોલ ભરાવવા જેટલું ય માંડ કમાય..! કોઇ જબરદસ્ત ફસાયો છે!’ અને આખરી ઝટકા મોંઢામોંઢ આવે. ‘હા ભઇ’ હા.. હવે તો તમે મોટા માણસ થઇ ગયા.. હવે તો અમારી સામે ય શેના જુઓ?’ (એટલું ન સ્વીકારે કે, તારામાં સામું જોવા જેવું હોત તો ગાડીમાં આજે મારી બાજુમાં તું ન બેઠી હોત, વાંદરી?) .. મોટા માણસ એમને એમ નથી થવાતું! કદમ કદમ પર ભારે કિંમત ચૂકવવી પડી છે, ત્યારે માંડ માણસ થવાયું છે!

No comments: