Tuesday, December 09, 2008

Bharat ma raajyo, raajyo ma Bharat nai!

પ્રિય સોનિયાભાભી, .... એ તમારી ભલી થાય... જેશી, ક્રસ્ણ... અમદાવાદથી આપના નેશનલ દિયોર અશોક દવેના પાયલાગણ વાંચશોજી. હાલમાં તમારે દોડધામ બહુ રહે છે, એટલે થાકને કારણે મારો પત્ર વાંચવાનો સમય નહિ મળે, તો થોડા વખત પછી સાવ ઘેર બેસવાનો વારો આવે ત્યારે નિરાંતે વાંચજો. આમે ય સ્વ. પૂજ્ય મોટાભાઈના અકાળ અવસાન પછી તમે નવરા બેઠા બેઠા ખાઘું જ છે એટલે અત્યારે મેહનત કરવી આકરી તો લાગતી હશે. છીઈઈ... ભાભી, તમારે હવે નોકરી શોધવાના દહાડા આવ્યાં છે અને એક ‘ગંગા સ્વરૂપ ભાભી’ને વડાપ્રધાન જેવી ફાલતુ નોકરી મેળવવા ‘નગરી નગરી દ્વારે દ્વારે’ ભટકવું પડે, બાળકોને લઈને, એ જોઈને મને આંખમાં આંસુ સાથે ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ની રાધા એટલે કે નરગિસ યાદ આવી ગઈ. ફરક એટલો કે, ‘‘ઢુંઢુ રે સાંવરિયા’’ ને બદલે ‘‘ઢું ઢું રે નૌકરિયા’’ ગાવું પડે છે. ભાભી, આ દેશની પ્રજા નગુણી છે. એક ‘ઈમ્પોર્ટેડ વિધવા’ને આટઆટલું રખડાવે ? બે બદામની ખુરશી માટે ? તો ભાભી, હવે ‘દુઃખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે-’ ના આનંદી દિવસો આવ્યાં છે. અહીં અમદાવાદમાં બેઠો બેઠો આ તમારો ‘નાનો દિયરીયો લાડકો’ તમને હવે દર દર ભટકવા નહિ દે. જરૂર પડે તમને કોંગ્રેસના ગંદા સિંહાસન પરથી ગબડાવીને, તમારી પાસે ગલી ગલી વાડકો લઈને ભટકવાનું બંધ કરાવીશું. ભાભી, તમે એકલાં નથી. અમે બન્ને દિયરો (મુંબઇમાં અમિતાભ અને અમદાવાદમાં હું) મળીને પ્રાણના ભોગે ય શાંતિનો રોટલો ખવડાવવા તમને ઘેર બેસાડીશું- તમારા ઘેર. અરે જરૂર પડે તમારા બદલે પ્રાણભાઈને જ નગરી નગરી મોકલીશું- બહુ ફિલ્મોમાં પ્રાણે મોટાભ’ઇનું (અમિતભ’ઈ)નું લોહી પીઘું છે. પણ ભાભુડી, અટાણે તો લોહીડાં તમારા પીવાઈ રહ્યાં છે. ભ’ઈના ગયા પછી તમે આટઆટલી મેહનત કરવા છતાં પ્રજા તમારા માટે સ્હેજ બી પલળતી કેમ નથી ? ભારતની કઈ ગલી એવી છે, જ્યાં તમે હાથ જોડયાં નથી, માથે ઓઢયું નથી, નાગા છોકરાને રમાડયું નથી ? પણ જનતાને તમારા રૂપાળા મોઢાંસિવાય કાંઈ સારૂં લાગતું નથી. આમને આમ તો તમે તૂટી જવાના, ભાભી. એટલું યાદ રાખજો ભાભી કે, ભારતમાં ઘણાં રાજ્યો છે પણ એકેય રાજ્યમાં ભારત નથી. (આ કોઈ મનોજકુમારની ફિલમનો ફાલતુ ડાયલોગ નથી... અપ્પૂન કા હૈ, ક્યા ?) હા, પાકિસ્તાનનું સરનામું જોઈતું હોય તો ભારતની ઘણી ગલીઓમાંથી મળી રહેશે, પણ ભારતને તો હવે નકશામાં શોધવું ય અઘરૂં પડે છે... ઘણાં લોકો ભારતને પાકિસ્તાનનો એક ભાગ માને છે. આવા ભારતમાં તમારી કદર ક્યાંથી થાય ? પણ હું તમારી કદર સોલિડ કરવા માંગુ છું. જાઓ, આજથી તમને હું ‘‘રાષ્ટ્રભાભી’’નો ખિતાબ એનાયત કરૂં છું. આપણે એક રાષ્ટ્રપિતા ગૂમાવ્યા પછી નોંધારા થઈ ગયા છીએ. રાબેતા મુજબ ‘પતિઓ’ બદલતા રહેવું પડયું છે. (આઈ મીન, ‘રાષ્ટ્રપતિઓ’) ભાભી, વારંવાર જેના મરદો બદલાતા હોય એવી જોરૂના તો સહુ કોઈ મરદ બનવા આવે. આ સંજોગોમાં દેશને એક ‘રાષ્ટ્રમામા’,ત ‘રાષ્ટ્રફૂઆ’ કે ‘રાષ્ટ્રસાળી’ની બેતહાશા જરૂરત હતી પણ આપણાં ભારતમાં (હા ભાભી, ભારત ‘તમારૂંય’ કહેવાય... આ તો છે નગરશેઠનો વંડો, જે આવે એ મંડો !) કોઈ ‘રાષ્ટ્રપુત્ર’ બનવા તૈયાર થતું નથી, એ હિસાબે તમે જ અમારા ‘રાષ્ટ્રભાભી’ બનીને ‘સીતા ઔર ગીતા’ ની જેમ તમારા કૉંગી દિયેરિયાઓ અને જેઠીયાઓને હન્ટરે ને હન્ટરે ફટકારો. અને હા, વઘુમાં જણાવવાનું કે, તમારા પ્રવાસોમાં મારી ભત્રીજી ચિ. પ્રિયંકા બેટી અને જમાઈરાજ ‘રાબર્ટ’ને સાથે લઈને ફરો. તો સારૂં, ભ’ઈ સા’બ. ગમે તેમ તોય ‘રાબર્ટ’ અજીતકા આદમી હૈ- મોનાવાલા અજીત. દિલ્હીમાં રેશનિંગ કાર્ડ ચાલતું હોય તો દુબાઈના ડોનથી માંડીને અમદાવાદના ય ‘ભાઈ’ સાથે રાખડી બાંધવાના સંબંધો રાખવા પડે... આ તો ધંધો છે, ભ’ઈ ! અલબત્ત, પ્રિયુ બેટીનું હમણાં જરા ઘ્યાન રાખજો ભાભી. સાથે લઈ જતા જરા ઘ્યાન રાખવું. તમે નીકળો ત્યાં ભાજપવાળા પથ્થરમારો કરાવે એવા છે એ સંજોગોમાં ભાજપીયાઓના હાથમાં કાચી કેરીઓ પકડાવી દેવી. બેબીને હાલમાં ખાટું ખાવાનું મન થાય, પણ પથરા ખાવાનું મન ન થવું જોઈએ. તમારા ખાનદાની પગલે ચાલશે તો એવા મનો ય થશે. ભાજપવાળાઓ જો કે, દેશદ્રોહી જ નહિ, વિદેશદ્રોહી પણ છે. કહે છે કે, વિદેશી વંશની કોઈપણ વ્યકિત ભારતની વડાપ્રધાન ન બની શકે, એવો કાયદો લાવીશું. લો કલ્લો બાત ! અત્યારે દુબાઈમાં બેઠો બેઠો એક વિદેશી ભારતનું રાજ ચલાવી રહ્યો છે, ઉસે તો કોઈ કુચ્છ નંઈ કહેતા...! ‘મેરા દુબાઈ મહાન’, ‘મેરા ઈટાલી મહાન’... પણ ‘મેરા ભારત મહાન’ કહેવાની કેમ કોઈ હિંમત નથી કરતું ? વઘુમાં જણાવવાનું કે, સ્વ. મોટાભ’ઈ તમારા માટે ઘણુંઉઉઉ... બઘ્ઘું મૂકી ગયા છે, એ પાછું કઢાવવા જ તમારા કોંગી-ફંટરીયાઓ તમારી આગળ-પાછળ ફરે છે, બાકી તો ભાભી, તમારામાં એવા કયા મોરલા ટાંકયા છે, અને દેશની એવી કઈ સેવા કરીને તમે ઊંધા લટકી ગયા છો કે, તમારા આરતા ઉતારવા પડે ? ઈટાલી માટે તમે કોઈ ભોગ આપ્યો છે કે નહિ, તે તો મુસોલિનીના વંશજો જાણે, બાકી ભારતમાં તો તમે નાનકડા જામ-ખંભાળિયા માટે ય કોઈ ભોગ આપ્યો નથી. પણ સોનુભાભી જે ઈટાલીમાં ન ચાલે, એ બઘું ઈન્ડિયામાં ચાલી જાય... જેમ હાલમાં દેશમાં કોઈ ક્ષેત્રમાંક્યાંય કોઈ ભાવ પૂછતું નથી, એ બધાં જ લાહોરની બસમાં ચાલી ગયા, એમ તમે ય અમારા દેશના વડાપ્રધાન તરીકે ચાલી જશો. હાલમાં તો બિહારના લલ્લુ-રબડી, લબડી ન પડે, એ માટે ભાજપ ગબડી પડે, એટલું તમારે ઘ્યાન રાખવાનું હોવાથી વઘુ લખતો નથી. બાકી અહીં બઘું બરોબર છે. કાંઈ નાનું મોટું મહિલાલક્ષી કામકાજ હોય તો જણાવશો. તમારી ભાભી તમને જોઈને ઘરમાં ય હાથ જોડીને જોડીને અને માથે ઓઢીને ફરે છે.... એને કોંગ્રેસમાં બોલાવવી હોય તો જણાવજો... એ ત્યાં ચાલી જશે ! વિરમુ છું. પ્રિયંકાબેટી પાસે થોડું થોડું ચલાવવાનું રાખજો. આપનો દિયેર, અશોક દવે

No comments: