Wednesday, December 10, 2008

Maro priy sangeetkar!

સંગીત વિશે એમ કહેવાય છે કે, જેને સાંધાની ય સૂઝ પડતી ન હોય, એવા લોકો સંગીત વિશે બહુ બોલબોલ કરે છે. એવા બે લોકો તો મારી જાણમાં આવી ગયા છે, જેમાંનો એક હું પોતે અને બીજી કિશોરી અમોનકર. કિશીએ એક તોફાની વાત કરી નાંખી કે, ‘આ લતા મંગેશકર છે કોણ ? એણે ભારતીય સંગીત માટે કર્યું છે શું, તે બધા એની વાહવાહ કરે છે ?’ કાલ ઉઠીને તમે પૂછવા માંડો કે આ કિશોરી કોણ છે, એ પહેલાં જણાવી દઉં કે, કિશોરી અમોનકર શુદ્ધ શાસ્ત્રીય કંઠય સંગીતની પરમવંદનીય ગાયિકા છે, પં. ભીમસેન જોષી, પં. જસરાજ અને કંકણા બેનરજીની કક્ષાની. હું એનો બારે મહિનાનો ફૅન છું પણ લતા માટે એ આવું બોલી, એટલે મને ખ્યાલ આવી ગયો કે, સંગીત વિશે લતા મંગેશકર અને ઇવન મારા કરતાં કિશોરીને વધારે સમજ પડે છે. એમ તો, વચમાં બે-ત્રણ હાસ્ય લેખક મિત્રો બધાંને કહેતા હતાં, ‘‘અમે અશોક દવેને હાસ્ય લેખક માનતા નથી.’’ એમની ઑનેસ્ટીને પ્રણામ પણ આ તો સારું થયું કે, હાસ્ય લેખકને બદલે હું લ્હાયબંબાવાળો ન થયો, નહિ તો જે બિલ્ડિગંમાં એ લોકો રહેતા હોય આમાં ભયાનક આગ લાગી હોય ને હું ‘ટનટનટન’ કરતો લ્હાયબંબો લઈને આવી પહોંચ્યું ને એ લોકો બારીઓમાંથી બૂમો પાડે, ‘‘પાછો જા... અમે તને બંબાવાળો માનતા જ નથી.’’ તો ય મારે મહીં ભૂસકો તો મારવો પડે ને ? ભલે ત્રણને બદલે ચાર ઓછાં થતાં ! જો કે, બાય સ્વૅર.. હું એ હાસ્યલેખકોને હાસ્ય લેખક જ માનું છું પણ બૉસ, શ્રાપ ઈશ્વરનો હશે એટલે હું હાસ્ય લેખક બની ગયો, એમાં મારો શું વાક ? (મારી અને લતામંગેશકરની હાલત સરખી કહેવાય !) આનો મતલબ એ થયો કે, પહેલાં તો મને ફક્ત સંગીતમાં જ સમજ નહતી પડતી... હવે હાસ્યમાં ય નથી પડતી (અહીં મારી અને કિશોરીની હાલત સરખી કહેવાય !) માટેજ આજે હું સંગીત વિશે થાય એટલાં તોડીને ભડાકા કરી લઈશ, અને મને ગમતા સંગીતકારો વિશે વાત કરીશ. શંકર-જયકિશન સવાલ જ નથી, કે શંકર-જયકિશન આજ સુધીના તમામ ફિલ્મી સંગીતકારોમાં નંબર-વન હતાં. મારા માટે તો એ બન્ને ‘સરસ્વતાઓ’ હતા એટલે વીણાવાદીનીમાં સરસ્વતીની ‘દેવઆકૃતિઓ’ સંગીતની દેવી લતા મંગેશકર પાસે આટલાં બધા હાઇ-પીચના ગીતો કયો સંગીતકાર ગવડાવી શક્યો છે ? યાદ છે, ‘ઉન સે પ્યાર હો ગયા, મેરા દિલ ખો ગયા’ (ફિલ્મ બાદલ) ? સમજ્યાં હવે કે તીવ્રમાં ગીતો ગવડાવે એટલે વાત મોટી થઈ જતી નથી, પણ લતા હાઇ-પીચમાં ગાવા માટે માત્ર શંકર-જયકિશન પાસે ઝૂકતી હતી અને એ જ લતા પાસે ખરજમાં પણ એમણે જ ગવડાવ્યું છે ને ? ‘જુલ્મ કી નગરીમેં કિસી કા કૌન સહારા હૈ’ (ફિલ્મ ‘આસ’) સમજ ન પડતી હોય તો બહુ ટેં-ટેં નહિ કરવાનું પણ ઓરકેસ્ટ્રા કન્ડક્ટ કરવી કેટલું કઠિન છે, એ પૂછી આવો તમારા મોઝાર્ટને કે ઝુબિન મહેતાને કે યાનીને ! શંકર-જયકિશનનું તો ઓરકેસ્ટ્રા વગરનું એક ગીત તો શોધી બતાવો ને પછી છુટ્ટા માંગવા આવજો, નહિ તો માની જ લેવાનંુ કે, શંકર-જયકિશન નંબર-વન હતા, છે અને રહેશે ધેટ્સ ઑલ. મદન મોહન શું હજી એ સાબિત કરવાની મને જરૂર પડશે કે, મદનમોહનથી વઘુ મઘુરો બીજો કોઈ સંગીતકાર જ થયો નથી ? અરે હિંદી ફિલ્મોના ૬૮ વર્ષોમાં મદનમોહનથી વઘુ સારી ગઝલો કમ્પોઝ કરનાર એક સંગીતકાર તો બતાવો ! ફિલ્મ ‘જહાનઆરા’માં રફી સાહેબે ગાયેલ ‘કીસીકી યાદ મેં, દુનિયા કો હૈ ભુલાયે હુએ’ હોય કે લતાજીએ ગાયેલ, ‘જુર્મે ઉલ્ફત પે હમેં લોગ સઝા દેતે હૈં’ હોય, આવી નમૂનેદાર ચીજો બીજાં કોઈ, હમણાં કહુ એ પેશ કરી શક્યું છે ? (ઘણાં ડોબાંઓ ‘જુલ્મે ઉલ્ફત, જુલ્મે ઉલ્ફત’ ઠોકે રાખે, પછી મગજ જાય કે નહિ ?... એ વાત જુદી છે કે જુલ્મ અને ઉલ્ફત (પ્રેમ) વચ્ચે ઝાઝો ફેર નથી.) અરે લાઇન લાગી જશે લાઇન, જો હું એમ પૂછીશ કે, લતા પાસેથી ર્ભહજૈજાીહાસર્વશ્રેષ્ઠ કામ કોણે લીઘું, તો આ તમારાં સી-રામચંદ્ર, અનિલ બિશ્વાસ કે શંકર જયકિશનો આઘા ખસી જશે આઘા ! મદનમોહન સિવાય બીજાં કોઈને નંબર વન સંગીતકાર ગણો એટલે બીજીવાર તમારા બાબાનું નામ પાડવા અમને નહિ બોલાવવાના. અમારો બી સાલો કોઈ ટેસ્ટ ખરો કે નહિ ? અનિલ બિશ્વાસ ડિમ્પલ કાપડિયા તો શું, મઘુબાલાને ય કાચી સેકન્ડમાં છુટાછેડા આપી દઉં, જો ભૂલમાં ય અનિલદા સિવાય બીજા કોઈને એ ઇવન સંગીતકાર બી માને ! શું મઘુડી ભૂલી ગઈ કે, ફિલ્મ ‘તરાના’માં એણે જ ગાયેલું, ‘બેઇમાન તોરે નૈનવા, નીંદિયા ન આયે’ જેવી ઈશ્વરના દરબારમાં ગાવાની ચીજ અનિલ દા આપણા માટે લઈ આવ્યાં હતાં ? ભાષા તો ભ’ઈ અમારી આવી તોછડી જ રહેવાની... મીઠાશ જોઈતી હોય તો જાવ પહલે ઉસ આદમી કા સાઇન લે કે આઓ, જીસને મેરે જીગર પે યે ગાના રખ દિયા, ‘જમાને કા દસ્તુર હૈ યે પુરાના, મિટાકર બનાના...’ જાઓ પહલે ઉસ આદમી કા સાઇન લેકે આઓ, જીસને લતાજી સે યે ગવાયા, ‘તુમ્હારે બુલાને કો જી ચાહતા હૈ, જી ચાહતા હૈ’ ફિર મેરે ભાઈ,તુમ જીસકો કહોગે, ઉસ કો મૈં ભારત કા નંબર વન મૌસીકાર માન લૂંગા ! અરે ૧૯૩૫માં ફિલ્મ ‘ધરમ કી દેવી’થી શરૂ કરીને આજ સુધી અનિલ બિશ્વાસને નંબર વન કોણ કે ટેન કોણ, એ જોવાની જરૂર જ નથી... એ તો પહેલેથી નંબર વન છે. તમને સંગીતમાં શું ખબર પડે, બીજા બધાનું સંગીત ફક્ત સાત સૂર કાઢી શકે છે. જ્યારે અનિલ દાનું સંગીત, રોજ સવારે નાહી-ધોઈને પૂજા કરતી વખતે ઠેઠ નાભિમાં જન્મેલો ‘ૐ’ છે. નૌશાદ બોલી જાવ. જેટલા સંગીતકારોના નામ આવડે એ બધાં બોલી જાઓ અને એ બધામાંથી નૌશાદ સાહેબ જેટલો ઉંચો સ્ટ્રાઇક - રેટ કયા સંગીતકારનો છે, બતાવો તો ખરા ! સ્ટાઇક-રેટ એટલે કુલ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું હોય, એમાંથી સુપરહિટ સંગીતવાળી ફિલ્મો કેટલી ? બેસો ને છાનામાના, એકેયના હાંધા નહિ જડે. સામાન્ય માણસ પણ ગુનગુનાવી શકે એવી ઘૂનો નૌશાદ જ બનાવી શક્યા ને ? ભારતના લોક સંગીત હોય કે ભારતીય રાગો ઉપર આધારિત ગીતો બનાવીને ભારતને ગૌરવ અપાવવા તમે ગયા’તા ? મરહૂમ રફી સાહેબે જાહેરમાં કહ્યું હતું કે, એમણે ગાયેલું સર્વોત્તમ ગીત ફિલ્મ ‘દુલારી’નું ‘સુહાની રાત ઢલ ચકી, ના જાને તુમ કબ આઓગે’ હતું ! રાગ કેદાર પર પચ્ચા ગીતો તમે સાંભળ્યા હશે, પણ ફિલ્મ મોગલે આઝમના ‘બેકસ પે કરમ કીજીયે સરકારે મદીના’ સાંભળો એટલે બાકીના કેદારિયાઓ ધોઈ પીવાના. અરે નૌશદજીએ તો પેટીનો માલ કાઢી બતાવ્યો હતો ફિલ્મ ‘આન’માં ‘આજ મેરે મન મેં સખી બાંસુરી બજાયે કોઈ છેલવા હો’ સાંભળોને પગ ઝુમવા ન માંડે તો કોઈ સારા ડૉક્ટર પાસે લકવાની સારવાર કરાવી લેવાની ! અને વ્યક્તિ તરીકે કેવા ? મહાત્મા ગાંધી આઝાદીમાં ના પડયા હોત તો ‘બૈજુ બાવરા’નું સંગીત આપતા હોત ને નૌશાદ સિતારને બદલે રેંટિયો કાંતતા હોત ! પહેલો નંબર તમે ત્યારે ગમે તેને આપો, ‘સુપર નંબર વન’ નૌશાદ સિવાય બીજા કોઈને આપશો ? સી. રામચંદ્ર પૅપર પહેલેથી ફૂટી ગયું હતું એટલે બધાંને ખબર છે કે, ભલે શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ ને સુપર શ્રેષ્ઠ હું બધાને ગણતો ફરૂં. પણ એક વાર ‘બૉસ’ સી. રામચંદ્રની એન્ટ્રી થઈ એટલે અહીં ઉપર નીચેના તમામ ફાસફૂસિયા સંગીતકારો ગપોલીમાં ધૂસી જવાના ! એક અમથું, ‘તુમ ક્યા જાનો, તુમ્હારી યાદ મેં હમ કિતના રોયે’ (ફિલ્મ ઃ શીનશીના કી બબલા બૂ)ની અડધી લાઇન ગાશો તો ય આમાંનો એકે ય ગપોલીમાંથી માથું બહાર નહિ કાઢે. અરે ભ’ઈ સી.રામ જેવો ‘લય’ કોની પાસે હતો ? લયની વાત ભેજામાં ન ઉતરતી હોય બીજું કાંઈ કરવાની જરૂર નથી, ફિલ્મ ‘પરછાંઈ’નું તલતવાળું ‘મહોબ્બત હી ન જો સમજે, વો જાલિમ પ્યાર ક્યા જાને’ ગાવા માંડો ને એ અઘરૂં લાગે તો ફિલ્મ નવરંગનું આશાબાઈવાળું ‘તુમ મેરૈ મેં તેરી ચરણ કમલકી ચેરી’ વાઇફને ગાવા આપો... એને ય ગાતા આવડી જશે. સી રામચંદ્રનું ‘જબ દિલ સતાવે ગમ, તુ છેડ સખી સરગમ’ વાગતું હતું ત્યારે અડધે રસ્તે સ્મશાનયાત્રા રોકાઈ જવાના દાખલા છે... ઉપર સૂતેલો એટલે બેઠો ના થયો કે, છેલ્લે છેલ્લે એ ફિલ્મ ‘અલબેલા’ની ‘ધીરે સે આજા રી અખિયન મેં નીંદિયા આજા રે આજા’ જેવી વર્લ્ડ-બેસ્ટ લોરી, આઇ મીન, ગોરી ગરીને હૂઈ ગયો’તો ! (એટલે ‘ગોળી ગળીને’) તમને તો ગુજરાતી કે મરાઠીના બે શબ્દો બોલતા આવડયું એટલે બોલી નાંખ્યું, ‘સી. રામચંદ્ર જેવો બીજો સંગીતકાર નહિ થાય !’ અરે, બીજો શું, અમે તો કહીએ છીએ, પહેલો ય કોઈ નહિ થાય ! ઓ.પી. નૈયર સાહેબ. કોઈ ૧૦-૧૫ નહિ, ફક્ત એક જ તમારો ‘મહાઆઆઆ...ન’ સંગીતકાર બતાવો જેને લતા મંગેશકરની ચમચાગીરી કરવી ન પડી હોય ! એક જ બતાવો ને, જેની કારકિર્દીમાંથી લતાને કાઢી નાંખો પછી એમનું મોઢું મને બતાઈ જાઓ કે, એમની પાસે બાકી શું રહે છે ? ઓમકારપ્રસાદ નૈયર એક જ મરદ જે વગર લતાજીએ સમગ્ર ફિલ્મ સંગીતના રાજસિંહાસન પર બેઠો અને ‘રીધમ’નો શહેનશાહ કહેવાયો. ૧૯૫૨માં પહેલી ફિલ્મ ‘આસમાન’-ફાસમાન વખતે જ એણે કબુલ કરી નાંખ્યું હતું કે, શાસ્ત્રીય સંગીતનો મને કક્કો ય આવડતો નથી, છતાં યાદ છે ફિલ્મ ‘કલ્પના’નું ‘તુ હૈ મેરા પ્રેમ દેવતા’ કે ફિલ્મ ‘રાગિણી’નું ‘મન મોરા બાવરા’ અરે શંકર-જયકિશન એના કટ્ટર દુશ્મનો હોવા છતાં ‘ફિર વોહી દિલ લાયા હું’ના ગીતો સાંભળી જાહેરમાં રીતસર કબુલ કરવું પડયું કબુલ કે..., ‘આવાં મઘુરા ગીતો અમે કેમ ન બનાવી શક્યાં ?’ ઓપીની વાત જ નહિ કરવાની ! એકવાર ટ્રાયલ ખાતર પણ પ્રેમમાં નિષ્ફળ જઈ જુઓ ને પછી ચમેલીના ઝાડ નીચે બેસીને પેલી પાસે ગવડાવો, ‘ચૈન સે હમ કો કભી, આપને જીને ન દિયા’... બૉસ ઝાડ રડી પડશે ઝાડ, પેલી ખોખરૂં ગાશે તો ! રોશન પૃથ્વી ઉપરાંત ચંદ્ર, મંગળ કે શુક્રના ગ્રહો ઉપર બી ગવાયેલા તમામ યુગલ ગીતો ભેગાં કરો ને પછી બોલો, ફિલ્મ ‘ચિત્રલેખા’નું આશા-રફીના ‘છા ગયે બાદલ, નીલગગન પર, ધુલ ગયા કઝરા, સાંઝ ઢલે’ સામે ઝીંક ઝીલી શકે એવું બીજું એકે ય યુગલ ગીત છે ? બીજું શું... બીજા બાવીસ હશે- અપૂન કુ ક્યા ? પણ એ બધાંની તરજ રોશને જ બનાવી હશે, ‘જો વાદા કિયા વો, નિભાના પડેગા’, ‘ચાંદ તકતા હૈ ઇધર આઓ કહીં છુપ જાયેં’, ‘આપને યાદ દિલાયા તો મુઝે યાદ આયા’, ‘કહાં હો તુમ જરા આવાઝ દો’ એ બધાં તો ગણપતિ બાપાની મૂર્તિ ધોઈને તરભાણામાં જળ વધે એ પી જઈએ એવા પવિત્ર ગીતો કહેવાય પણ આ માણસે તો લતાના કંઠને ય શિવલિંગ સ્વરૂપ આપવામાં કોઈ કસર બાકી રાખી છે ? ‘ઇસ દિલ કી હાલત ક્યા કહીયે જો શાદ ભી હૈ નાશાદ ભી હૈ’ (અનહોની) ‘સારી સારી રાત તેરી યાદ સતાયે’ (અજી બસ શુક્રિયા) ‘દિલ ભી તેરા હમભી તેરે, હમ કો પ્યારે હૈ’ (ટકસાલ) કે પછી ‘રહે ન રહે હમ, મહેંકા કરેંગે...’ (મમતા) કવ્વાલી રોશન જેવી બનાવતા કોઈને આવડી નથી. મૂકેશ પાસે મૂકેશ જેવું ફક્ત રોશન જ ગવડાવી શક્યા... માટે જ કહીએ છીએ બહુ વટથી કે સંગીત સાંભળવું હોય તો પ્રણામ રોશનને કરો નહિ તો અડધી કલાક શેરબજારમાં ઊભા રહો ને... એક સાથે અનુ મલિકો, જતીન-લલિતો કે બપ્પી લહેરીઓ સામટા સંભળાશે. (હજી મારી અક્કલ મુજબના નંબર વન સંગીતકાર આજે તો લઈ જ શકાયા નહિ... આવતા બુધવારે વાત !)

સિક્સર
ક્રિકેટની માફક અમારા લેખકોમાં ય ‘લેખ-ફિક્સીંગ’ શરૂ થયું છે. મારો આજનો લેખ કચરા છાપ લખવા માટે મને ઇંગ્લેન્ડ - અમેરિકાના લેખકો તરફથી તગડી રકમ અપાઈ હોવાનું કબુલ કરૂં છું.


No comments: