Wednesday, December 10, 2008

Pati-Patni mate alag bathroom?

કેટલાક પ્રશ્નો જ એવા છે કે જે કદી પૂછાયા જ નથી- પૂછવા જઈએ તો ય બીક લાગે કે, લોકો આપણા માટે કેવું ધારી લેશે ? એવો એક પ્રશ્ન છે, ‘શું ઘરમાં પતિ-પત્ની માટે અલગ અલગ બાથરૂમો હોવા જોઈએ ?’ (અલગ બૅડરૂમોની વાત નથી કરી ઇડિયટ !) બન્ને વચ્ચે પ્રેમ ગમે તેટલો હોય, પણ ભેગા રહેવાની કે પડયા રહેવાની એક લિમિટ હોય- પ્રાયવસી નામની ય કોઈ ચીજ હોય છે. તમે વિચાર્યું નહિ હોય પણ પુરૂષ અને સ્ત્રી બન્નેને જુદાં જુદાં કારણો અને કામોને લીધે બાથરૂમની જરૂર પડે છે. અંદર ગયા પછી બન્નેનાં એજન્ડા નોખાંનોખાં હોય છે. બન્નેને અંદર વાર લાગવાના સમય વચ્ચે ઘણો તફાવત છે. આ ધરતી ઉપર ફક્ત બાથરૂમ એકમાત્ર સ્થળ એવું છે. જ્યાં અંદર જઈને મન ફાવે કે તન ફાવે તેમ વર્તો, તો ય કોઈ પૂછનાર નથી. પણ બહુ ઓછાંને ખબર હોય છે કે, રેસ્ટરાંના ટેબલની જેમ બાથરૂમની પણ ‘એટીકેટ’ હોય છે, ‘મૅનર્સ’ હોય છે. પોતાનું હોય કે પારકું, બાથરૂમ તમને વાપરતાં આવડવું જોઈએ. અંગત રીતે હું કોઈના ‘લૂ’ (બાથરૂમ માટે ‘લૂ’ પણ છે.)માં જવાનું ટાળું છું. એમાં ભીના ટુવાલ-નૅપકીન લટકતા હોય, જરાક અમથી પણ બૂ આવતી હોય, સ્ટૉપર બહારથી મસ્ત વસાય પણ અંદર ખભો બારણાને દબાવીને ઊભા રહેવાનું હોય કે ખાસ તો, ભીનાં ફ્લૉર પર મરેલાં સાપોલિયાની જેમ બહેનનો વાળ પડયો હોય તો મારા શરીરમાં લખલખું આવી જાય છે, ચીતરી ચડે છે, હું આખેઆખો નર્વસ થઈ જાઉ છું અને મોટો લૉસ એ જાય છે કે, અંદર હું કયા કામ માટે આવ્યો છું, એ જ ભૂલી જાઉ છું. સદરહુ વાળ ઉપર ભૂલમાં ય મારો પગ પડી ન જાય એની ચિંતામાં ખૂબ સાવચેતીપૂર્વક પગો ઊંચા લઈ લઈને આઘોપાછો થયે રાખું છું. સ્વાભાવિક છે કે, આવો ભય પામી ગયા પછી મૂળ કામ હું ભુલી જાઉં ને પાછો આવતો રહું, એમાં મારો વાંક નથી. કોઈના વૉશ-બેસિન પર વાળ પડયો હોય તો બેસિનને બદલે મકાનના ધાબે જઈને મોઢું વીછળી આવવાનું હું વઘુ પસંદ કરૂં. બાથરૂમની પણ એટીકેટ હોય છે. ધોળિયાઓ એટલે કે બ્રિટિશરો બીજાના ઘરે ટોઇલેટ જતાં પહેલાં પૂછે છે, ‘‘ભચહ ૈં ેજી ર્એિર્ ૌનીા ?’’ આના જવાબમાં, જરાય અભિમાન રાખ્યા સિવાય સીધી હા જ પાડવાની હોય, ‘ર્‘ંર જેીિ !’’ પણ આપણા દેશમાં તો ‘ટોઇલેટ’ અને ‘બાથરૂમ’ વચ્ચેના તફાવતની બહુ ઓછાંને ખબર હોવાથી ટોઇલેટ જવું હોય તો સાલો બાથરૂમમાં ધૂસી જાય છે.... બે મહિના સુધી આપણે નહાવાનું માંડી વાળવું પડે ! હાં, ઘણાં તો દીકરીને વળાવવાની હોય ત્યારે મમ્મી-પાપા ઠેઠ કાર સુધી મૂકવા આવે, એમ કેટલાક યજમાનો (ર્લ્લજાજ) ઠેઠ ટોઇલેટના દરવાજા સુધી મેહમાનને મૂકી આવે છે- જેથી પેલો રસોડામાં ધૂસી ન જાય ! આપણા દેશમાં આ બઘું ઘ્યાન રાખવું પડે એ તો ! પણ આપણી મૂળ વાત પતિ-પત્ની માટે ઘરમાં અલગ-અલગ લૂ હોવા જોઈએ કે નહિ, તે હતી. આટલું વાંચ્યા પછી ય કેટલાકને તો ઝાટકા વાગશે, ‘ઉ લલ્લલા... એક જ ઘરમાં વળી બે બાથરૂમની શી જરૂર ? અને એ ય પતિ-પત્ની માટે ?’ યસ. બાય ઑલ મિન્સ... ઇટ ઇઝ જરૂરી ! પરવડતું હોય એવા કપલ્સ માટે આ એક સ્વચ્છ વ્યવસ્થા છે- ઘણાંના લગ્ન જીવન વઘુ સારા બનાવી શકે છે. ૯૦ ટકા પત્નીઓને એમના વરજીની ‘બાથરૂમ હેબિટ્સ’ ગમતી નથી-ચલાવી લેવી પડે છે. જાહેરમાં ઝખ મારીને સજ્જન થઈને પરતો પતિ બૅડરૂમના બાથરૂમને બાપાનો માલ સમજીને -પત્નીના દેખતા વાપરે ત્યારે અજાણતામાં બન્ને ટેવાઈ ગયા હોય છે, ‘ઓહ... પત્નીના દેખતાં શું વાંધો ?’... નો. ના ચાલે. સવાલ ‘ડીસન્સી’ જ નહિ પત્નીના ગૌરવનો પણ છે. બાથરૂમ લગભગ તમામ સ્ત્રીઓનો મિની-મૅકઅપરૂમ છે. બિલાડીની ગુફાની જેમ એ લોકો બાથરૂમ વાપરે છે. બીજા શબ્દોમાં એમને માટેનો આ ‘શાંતિઘાટ’ છે. એ ૨૦-૨૫ મિનિટ સુધી, નહિ છોકરાંઓની કનડગત, નહિ વરજીના ‘આ લાવ’ ને ‘તે લાવ’ જેવા વાહિયાત હુકમો અને... ખાસ તો, પોતાને કોઈ જોતું નથી એ ખાત્રી સાથે એકલાં બેસી રહેવાની મઝા માત્ર સ્ત્રીઓ જ લૂંટી શકે છે. ‘પ્રાયવસી’નો હક અહીં વપરાય છે, પછી બિલાડી શેની જલ્દી બહાર આવે ? એ વાત તો પાછી અહીં થાય નહિ કે, ઈવન વરજીથી છુપાવવાના કામો ય ‘ઘર-બેઠાં’ નહિ ‘બાથરૂમ-બેઠાં’ પતે ! બીજી બાજુ કેસ આપણાં ગોરધનનો તપાસો. એનું કાંઈ ઠેકાણું નહિ. મહીં મારામારી કરવા ધૂસ્યો હોય એટલી ઝડપથી તો બહાર ફેંકાઈ જાય છે... જાણે બાથરૂમમાં ખો આપવા ગયો હોય ! રઘવાટ કે ઉતાવળ, બધી વાત સાચી પણ આટલે દૂર આવ્યો છું તો જરા ઠરીઠામ તો થા ! જ્યાં ટૉઇલેટ-બાથરૂમ ભેગાં હોય ત્યાં પ્રોબ્લેમ મોટાં થાય છે. ૯૦ ટકા ગુજરાતીઓ છાપાં ટોઇલેટમાં વાંચે છે (વેદના અને રાહત સાથે સાથે) એમાં ય હવે તો ફૉન પણ લૂમાં આવી ગયા... સુધારા આટલી હદે થતાં રહેશે તો બ્રેકફાસ્ટ અને બિઝનેસ મીટિંગો પણ લૂમાં જ ! આ લેખ વાંચનાર સામાન્ય મિડલ-ક્લાસનો વાચક હશે તો એને નવાઈ લાગશે- નવાઈ નહિ, આંચકો લાગશે કે, ‘ના હોય.. મોટા ઘરોમાં પતિ-પત્ની, મંદિરે દર્શન કરવા સાથે જતા હોય એમ બાથરૂમે ય સાથે વાપરે ?’ તોફાની લેખિકા શોભા ડે આ બાબતે ભારે ઝનૂની જવાબ આપે છે. ‘સ્ત્રી માટે પ્રાઇવેટ લાઇફ પ્રાઇવેટ જ રહેવી જોઈએ. દરેક ચીજની એક સુંદરતા હોય છે. હું મારા હસબન્ડ સાથે કોઈ હૉટલમાં ઉતરી હોઉં ને સ્યૂટ હોવા છતાં બે બાથરૂમ ન હોય તો ડિસ્ટર્બ થઈ જઉ છું... પણ આજની જનરેશન ‘આ’ જ બાબતને સિદ્ધિ ગણે છે.’ ઇન ફેક્ટ, કોઈ મ્યુનિ. કોર્પોરેશનવાળા જાહેર માર્ગો પર ‘સ્ત્રીઓ’ માટે પૂરતી વ્યવસ્થા નથી કરતા અને આ વાત એવી છે કે, હિંમત પણ કોણ કરે આવો ઈસ્યૂ ઉઠાવવાની ? પુરૂષો અને કૂતરાંનું તો સમજ્યા કે થાંભલો ખાલી જોયો નથી કે હુતુતુતુ કરતાં દોડયા નથી ! ભારતભરના મોટા ભાગના વૃક્ષો ભારતીય પુરૂષોના આશીર્વાદથી ફૂલ્યાં-ફાલ્યાં છે. હાસ્યલેખકોની વર્તમાન પેઢી પછી આવતીકાલે જેનું સૌથી મોટું નામ છે, એ સુરતના હાસ્યલેખક શ્રી અજિતસિંહ જ્યારે પણ આવા કોઈ થાંભલે/ઝાડે યજ્ઞ-હવન યોજાયા હોય, ત્યાંથી પસાર થતાં મોટેથી, ‘એ પોલીસ આઇ...’ એવી બૂમ પાડી દે છે, એમાં કેટલાય વૃક્ષોનો વિકાસ અટકી જાય છે. એમાં એ પોતે આવા કોઈ હવનની પૂર્ણાહુતિના કાર્યમાં વ્યસ્ત હતા એ વખતે સાચે જ પોલીસ આવી... પોતાના માર્ગ અને હેતુમાંથી સ્હેજ પણ વિચલીત થયા વિના અજીતસિંહે મોટેથી બૂમ પાડી રાષ્ટ્રને નવું સૂત્ર આપ્યું, ‘વઘુ વૃક્ષ વાવો.’ અંગત રીતે હું મારા માર્ગ અને હેતુમાંથી ઘણીવાર વિચલીત થયો છું. બાથરૂમમાં ગરોળી ધૂસી ગઈ હોય તો ! આમ મારી જિંદગી સંયમી, નિડર, ધાર્મિક વૃત્તિ અને દ્રઢ મનોબળવાળા યુવાન તરીકે પસાર થઈ છે. મુસિબતોનો સામનો કરવો મારા માટે ટચલી આંગળીનો ખેલ છે પણ ટચલી આંગળીના પ્રતીકરૂપ સાધનામાં કોઈ ગરોળી આવી જાય તો હું તાબડતોબ તપોભંગ કરી નાંખુ છું. હું હિમાલય ચડતો હોઉં ત્યારે રાક્ષસી ગીધડાં મોકલી મને હેરાન કરો, હું કાંઈ નહિ બોલું. હું ને બેનઝીર ભુટ્ટો એકબીજાના ખભે માથું મૂકી અંબાજીને દર્શને જતા હોઈએ ને અમારી ગાડી ઉપર ગાયભેંસોના ઘણ છોડી મૂકો. હું એક ગાળ નહિ બોલું... પણ ટોઇલેટમાં ગયા પછી અંદર ગરોળી મોકલો, એ મારાથી સહન નહિ થાય. ત્યાં હું હારી જઈશ. નથી મારે શિખરો સર કરવા ટોઇટેલના... ત્યાં કરજો પોતાં રસિકડાં ઘાસલેટના ! એક આ જ કારણથી વિશ્વભરમાં સેપરેટ બાથરૂમો માટે હું ઝુંબેશ ઉપાડવા માંગુ છું... બાથરૂમમાં સાલું એ ગઈ હોય કે ગરોળી... બહાર કાઢવી સહેલી છે કાંઈ ?

સિક્સર
લંડનથી આવેલી મારી ભત્રીજી જયશ્રીને હું અમદાવાદનું ગૂજરી બજાર બતાવવા લઈ ગયો. એનો તો ખૂબ અભિમાન થયું મારા માટે કે, હજી ૧૫ દહાડા પહેલાં બહાર પડેલાં મારા પુસ્તકો એટલીવારમાં માર્કેટમાં ય આવી ગયાં...?

No comments: