Tuesday, December 09, 2008

Chalti ka naam Gaadi!

ઝવેરીલાલ તો ફોટો પાડી લાવ્યા ને લખી માર્યું કે, ફિયાટ ગાડીઓનો હવે કોઇ ભાવ પૂછતું નથી.. અઢી-ત્રણ હજારમાં ગધેડે પિટાય છે ને વેચવા જાઓ તો કબાડીવાળા ય લેતા નથી. એમને ફોટા પાડતા વિચાર નહિ આવ્યો હોય કે આમાં તો કોઇનું ઘર નહિ તો છેવટે ગાડી ભાંગશે. એક ગરીબ અને ફિયાટવાળો બ્રાહ્મણ લેવા-દેવા વગરનો સૂકાઇ જશે? ગાડી હોવા છતાં બ્રાહ્મણને ગરીબ કહેવો પડે, એનું નામ જ ફિયાટ કાર. હું તો જાણે ભિખારી હોઉં ને રેલ્વે-સ્ટેશને રોજ ઉભા રહી, માંગી માંગીને ફિયાટ લઇ આવ્યો હોઉં એમ વાઇફે છણકો કરીને કહી દીઘું, ‘હવે આ ઠાચરૂં વેચી નાંખો ને કોઈ ઢંગની સારી ગાડી લઇ આવો. આપણી બધી પાડોસણો ફ્રન્ટી, સીએલઓ અને સાન્ટ્રોમાં ફરે છે ને મારો રૂડો રૂપાળો કુંવર કનૈયો ચાની લારી લઇને નીકળ્યો હોય, એમ આ ફિયાટમાં ફરે છે.’ લજ્જા અને તતડી ગયેલા એના ગુસ્સાના જવાબમાં મારાથી એમ થોડું કહેવાય કે, હું ટાટા સુમો લઇ આવું. તો શું આ પાડોસણો મારી સાથે ફરશે? તારે એવો ‘ઇગો’ નહિ રાખવાનો કે, મારો વર બી તમને બધીઓને સારી ગાડીમાં ફેરવી શકે છે. આ ફિયાટને બદલે હું કોઇ પ્રેમિકાને લઇને ફરતો હોત તો એણે મને માફ કરી દીધો હોત, એવી ધારણા રાખવાનું મેજર કારણ એ કે, વર્ષો પહેલાં અમે બંનેએ ફિલ્મ ‘મિલન’ સાથે જોઇ હતી જેમાં નવી નક્કોર શણગારેલી ગાડીમાં નૂતન સુનિલ દત્તના ખભે માથુ ઢોળીને બેઠી છે અને બંને જણાં ગીત ગાય છે ‘હમ તુમ, યુગ યુગ સે યે ગીત મિલન કે, ગાતે રહે હૈં, ગાતે રહેંગે.. હોઓઓઓ, હમ તુમ.’ એ જોઇને અમારા બેયથી ઝાલ્યું ન હતું રહેવાણું ને બીજે જ દિવસે હું ભાડાની હર્ક્યૂલીસ સાયકલ લઇ આવ્યો હતો. મને યાદ છે કે, પત્નીને પાછળ સાયકલનો કેરીઅર પર બેસાડી, અમે બંને એ જ ગીત ગાતાં.. ઉમંગમાં ઘણી વાર તો એને બેસાડવાની રહી ગઇ હોય તો એ બેઠી છે એમ માનીને હું એકલે ગળે આખું ગીત પતાવતો અફ કોર્સ, મારી હાઇટ અને ઉંચી સીટને કારણે માથું એ મારા ખભા સુધી ઉંચુ લઇ જઇને ઢાળી ન શકતી. આવા સંજોગોમાં એ મારા બરડા ઉપર માથું ઢાળી નૂતન જેવું ગાવાનો ટ્રાય મારતી. એ જમાનામાં હું વિશ્વનો પ્રથમ પતિ હતો, જેના શર્ટના ખભાને બદલે બરડામાં તેલનાં ધાબાં જોવા મળતા, છતાં અમારા બંનેના ગીતની ક્વોલિટીમાં કોઇ ફેર ન પડતો. હા. સાયકલ પાછળ બેઠી બેઠી એ નાની નાની સપનીઓ જરૂર જોતી કે, મારા વરની ક્વોલિટી જે દહાડે સુધરશે, એ દહાડે મને એ પોતાની ગાડીમાં બેસાડી ગીત મિલનના ગાશે. હું મોટો સપનો જોતો કે, મારી પત્ની મને એરપોર્ટ પર લેવા આવી હોય, અમે બંને ભેટીએ અને પછી ભલે હપ્તેથી લીધેલી ગાડીમાં હું એને બેસાડી આ જ ગીત ગાઉં. પછી તો વર્ષોના વહાણાં વાયા. પરીદેશનો એ સોહામણો રાજકુમાર આગળ જતાં બેન્ક ક્લાર્કને બદલે હાસ્યલેખક થયો અને રાજકુમારી બે ત્રણ બાળકોની માં થઇ એમાં બદું જયશ્રીકૃષ્ણ થઇ ગયું. જમાનાની થાપટોએ રાજકુમારના ગળા અને રાજમાતાને ગીત મિલનની પથારીઓ ફેરવી નાંખી હતી. ગીત તો યાદ હતું પણ ગાડીમાં બેઠાં બેઠાં ગાતાં ફાવતું ન હતું. ગેસનો બાટલો ફાટવાથી આખું બિલ્ડીંગ ધરાશાયી થઇ જાય એમ અમારા ગાયા પછી મૂળ ગીતનાં શબ્દો દટાયેલાં કાટમાળમાંથી માંડ બહાર નીકળતા. બારી બારણાં આમ પડયાં હોય, વૉશ-બેસિનના ટુકડા તેમ પડયાં હોય એમ ‘મિલન’ના મૂળ ગીતના શબ્દોવાળું ‘હમ તુમ’ દટાયેલાં અવાજે ગવાય, ‘યુગ યુગ સે’ જમીનમાં અડઘું દટાયેલું દેખાય ને ‘ગીત મિલન કે’ના તો અસ્થિ ય હાથમાં આઇ-મીન, ગળામાં ન આવે..! ગાડીમાં બેઠાં બેઠાં બહુ બહુ તો ગીત ગવાય, ‘મિલન’ માટે તો આ ઉંમરે ક્યાં પાર્કંિગો શોધવા જવાં?.. છોકરાઓને ખબર પડે તો મા-બાપ મોઢાં બતાવવા જેવા ન રહે. આમે ય, ભારત જેવા દેશમાં કાર એટલે કે, ગાડીનો વપરાશ વધી જવાથી, એમાં બેસનારાઓમાં ડ્રેસ-સેન્સ, મેનર્સ, ટ્રાફિક સિગ્નલ પરનો સંયમ, ભિખારીઓને દૂર રાખવાની કળા (તેમજ કોઇપણ જગ્યાને પલંગ બનાવી દેવાની આવડતો) વધી છે.. અમારા તો સદ્નસીબે ગાડી, જીવનના એ મુકામે આવી જ્યારે ગાડીમાં અમે બંને સાથે નીકળ્યાં હોઇએ તે જોનારાઓ ખુશ થવાને બદલે અમારી દયા ખાતાં. અમસ્તો સાઇડ આપવા માટેય મેં બારીમાં હાથ બહાર કાઢયો હોય, એમાં ગેરસમજ થવાથી રાહદારીઓ મારા હાથમાં પાઇ-પૈસો મૂકવા માંડયા. એ શોપિંગ કરવા ગઇ હોય ને બહાર હું રાહ જોતો ગાડી લઇને ઉભો હોઉં એમાં ય બે-ત્રણ જણાં પૂછી જાય, ‘સી.જી. રોડ આવવું છે?’ હંહ.. ગાડી લઇને નીકળો એટલે તમે એનાં માલિક થઇ જતાં નથી.. લોકો તો સ્ટીયરિંગ પર બેસવાની તમારી સ્ટાઇલ પરથી અંદાજ લગાવી લે છે, કે ગાડી ભ’ઇની પોતાની છે કે ડ્રાયવર તરીકે નોકરીએ રાખ્યાં છે! ગાડી લીધે તો અઢી ત્રણ વર્ષ થયાં પણ ડ્રાઇવીંગ શીખવા કરતા કોને ન શીખવાડાય, એ હું જલ્દી શીખો ગયો, આમ એ મને કે બીજાં કોઇને કદીય ‘ડાર્લંિગ ફાર્લંિગ’ કહેતી નથી. (સ્પેલિંગમાં લોચા પડે એટલે) પણ તે દિવસે ઓફિસમાં ફોન આવ્યો. ‘અશુ ડાર્લંિગ.. આપણે ત્યાં પાર્કંિગનો ભાવ હજાર-હજાર રૂપિયાનો થઇ ગયો છે?’ હું ચમક્યો. ‘ના, ભ’ઈ! ત્યાં ક્યાંથી બોલે છે?’ ‘પોલીસ-સ્ટેશનમાંથી! એક લારીવાળાને જરાક અમથી ટક્કર મારી એમાં તો પોલીસવાળાએ ગાડી જપ્ત કરી લીધી ને પાર્કંિગના હજાર આલવા પડયાં!’ અમદાવાદના ગાંધીનગર-સરખેજ હાઇવે પર ગોતા ગામ ચોકડીથી અંદર જાઓ તો વડસર જવાના રસ્તે લપકામણ ગામ આવે છે, ત્યાંથી એનો ફોન આવ્યો, ‘ડાર્લંિગ.. આપણી ગાડીનાં કાર્બ્યૂરેટરમાં પાણી ભરાઇ ગયું છે.. શું કરૂં?’ મેં કહ્યું, ‘તું ચિંતા ન કર.. ગાડી ક્યાં પડી છે?’ મને કહે, ‘તળાવમાં.’ આવી બધી બબાલોથી કંટાળીને વનફાઇન મોર્નંિગ ગાડી વેચી દેવાનો મને વિચાર આવ્યો. છાપામાં બઘું મળીને ૨૦-૨૫ હજારની ટચુકડી જાહેર ખબરો આપી. બે ત્રણ પાર્ટીઓએ કંઇક આવો રીસ્પોન્સ આપ્યો. (૧) ‘ગાડી તો બૉસ.. લઇ જઇએ.. પણ ઉપરથી મેઇટેનન્સનાં કેટલાં આલશો?’ (૨) તમે પસ્તીનગર વાળો જૂનો ફ્લેટ ફેમિલી સાથે વેચવા કાઢયો હતો એટલે લેવા કોઇ ચકલું ય ફરકતું ન હતું.. ફીયાટમાં આ બઘું રહેવા દેજો! (૩) ‘..અઅઅ બઘું મળીને શેઠીયા.. આ ગાડીનાં તમને રૂા.૧,૧૧૦/- ગણી આલું.. બાર મહિનામાં હપ્તા પૂરા કરી ના આપું તો ગાડી પાછી લઇ જજો, શેઠીયા..! આ મરદના બોલે છે મરદના!’ (૪) ‘દાદુ-મારી સલાહ માનો.. ગાડી વેચવાને બદલે ભાડે ફેરવો.. સવારે સ્કૂલનાં બાળકોની જ વર્ધી કરવાની. બપોરે ઓફિસોમાં ટિફિનો પહોંચાડવાનું કામ અલાવું! બોલો..!’ પણ જોરકા ઝટકા ધીરે સે લગે વાળો પ્રોબ્લેમ તો ત્યાં થાય છે કે, ગાડી લીધાં પછી અમારાં સગાં-સંબંધીઓ અમને પૈસાદાર સમજવા લાગ્યાં છે.. ‘અરે ભ’ઇ, તમારે ગાડીઓ વાળાને શી ચિંતા..! તમારી ફિયાટમાં તો વિમાનના ટાયર ટયૂબ નંખાવો તો ય પોસાય!’ અહીં આપણું મન જાણતું હોય કે, પચ્ચી-પચ્ચી રૂપિયાનું પેટ્રોલ ભરાવીને મોઢાં અને થાપાં બંને માંડ લાલા રાખતાં હોઇએ છીએ. બીજાંઓ મોંઢે ન કહે પણ જરૂરી માહિતી એમનાં બીજાંઓને આપે, ‘બોસ.. કોઇ મોટાનું કરી નાંખ્યું લાગે છે.. નહિ તો નોકરિયાત માણસને ગાડી ને દસ પંદર લાખના ફ્લેટો ક્યાંથી પોસાય? લેખો લખી લખીને તો લૂનામાં પેટ્રોલ ભરાવવા જેટલું ય માંડ કમાય..! કોઇ જબરદસ્ત ફસાયો છે!’ અને આખરી ઝટકા મોંઢામોંઢ આવે. ‘હા ભઇ’ હા.. હવે તો તમે મોટા માણસ થઇ ગયા.. હવે તો અમારી સામે ય શેના જુઓ?’ (એટલું ન સ્વીકારે કે, તારામાં સામું જોવા જેવું હોત તો ગાડીમાં આજે મારી બાજુમાં તું ન બેઠી હોત, વાંદરી?) .. મોટા માણસ એમને એમ નથી થવાતું! કદમ કદમ પર ભારે કિંમત ચૂકવવી પડી છે, ત્યારે માંડ માણસ થવાયું છે!

Vondaru aayu

અમારે ત્યાં વાંદરા બહુ આવતા હોય, એમા નવાઈ જેવું કાંઈ નથી. સંબંધ બધાની સાથે સારાં રાખ્યા છે એટલે લોકો મળવા તો આવે. અમારા ફ્લૅટની બારી મોટી અને પહોળી છે, છતાં આવવા જવા માટે અમે દરવાજાનો ઉપયોગ કરીએ છીએ, પણ આ વાત વાંદરાઓ સ્વીકારતા નથી એટલે એ લોકો ગૃહપ્રવેશ માટે બારીનો ઉપયોગ કરે છે. કારણ કે બારીને તરત અડીને ઝાડ છે, એટલે આવે એ તો. મેહમાનો બારણામાંથી આવે છે, એટલો જ ફેર. સાચું પૂછો તો એ ઝાડ-થૂ્ર ભલભલા વાંદરા અમારા ઘરે આવી ગયા, પણ એમને કોઈનામાં બહુ ઊંડા ઉતરવાની ટેવ નહિ, એટલે પર્સનલી કોઈને ન ઓળખીએ. એવો ટાઇમ ક્યાં હોય આપણી પાસે ! યસ. આ અવરજવરને કારણે થોડું થોડું નૉલેજ બધા પાસે ખરૂં કે, લાલ મોઢા અને લાલ સીટવાળું હોય તો એને માંકડુ કહેવાય અને મોઢું કાળું હોય પણ સીટ ગમે તેવા રંગની હોય તો એને વાંદરૂ કહેવાય. બીજી એ પણ ખબર છે કે, વાંદરા આપણને લાફા બહુ મારે. એક તો આપણે કંઈક આપવા જઈએ ને એ લઈ પણ લે, પણ એમાં ક્યારે સટ્ટાક દેતી થપ્પડ મારી દે, એની ખબર ન પડે. અમારા ફૅમિલીમાં તો લગભગ બધાએ તમાચા ખાધા છે... બહાવાળા ય મારી જાય ને ઝાડવાળા ય મારી જાય.. આ તો સાલી કોઈ લાઇફ છે ? પણ, વાંદરાઓની એક બાબત બહુ સારી બહુ રોકાય નહિ. આઇને તરત જતા રહે, આમ તમારું ઘર આખું રફેદફે કરી નાંખે પણ બગાડે કોઈ દિવસ નહિ આઈ મીન, એમનું પોતાનું કહી શકાય એવું કાંઈ મૂકતા ન જાય, કે જેને સાફ કરવા નાક દબાવવું પડે. સોબતની અસર કહેવાય, પણ વાંદરાઓ સાથે ઘર જેવા સંબંધો અને એમના વિશેની અમારી જાણકારીને કારણે સમાજમાં હવે લોકો અમને બ્રાહ્મણો કરતાં મદારી તરીકે વઘુ ઓળખે છે. કોઈનાં છોકરાને વાંદરૂ-બાંદરૂ કરડી ગયું હોય તો ડૉક્ટર પાસે લઈ જવાને બદલે મારા ઘેર લઈ આવે છે- વાંદરાને નહિ, બચકું ભરાયેલા બાળકને ! સાપના ઝેરની માફક અમે કાંઈ વાંદરાના બચકાં ઉતારતા નથી, પણ દુનિયાના મોંઢે તાળાં ઓછા મરાય છે ? તે એમાં થયું કે, અમારા વિસ્તારની એક બૅન્કમાં વાંદરૂ ઘૂસી ગયું... ખાતું ખોલાવવા કે બંધ કરાવવા નહિ, અમથું જરા એ બાજુથી નિકળ્યું હશે તે થયું લાવ એકાદ આંટો મારતા જઈએ. સીધી વાત તો એ છે કે આવે વખતે ઝૂવાળાને કે ઢોરોના દાકતરને બોલાવવા જોઈએ એના બદલે એ લોકોએ અમારો સંપર્ક કર્યો. કઈ કમાણી ઉપર લોકો અમને મદારી માની બેસે છે, એ તો ખબર નથી પણ મહીં મહીં અમને આવું ગમે ખરૂં કારણ કે, આપણું ઇમ્પોર્ટન્સ વધે છે. લોન લઈને ઊડન-છૂ થઈ જતાં ગ્રાહકોને પકડવા કરતા વાંદરા પકડવામાં શાન આપણી વધે. ખાસ તો... મુશ્કેલીમાં આવેલા કોઈકને પણ મદદ કરવી, અમારો ધર્મ છે, એટલે જવું તો પડે. અહિ મુશ્કેલીમાં વાંદરૂં આવી ગયું કહેવાય બૅન્કવાળા નહિ કારણ કે, અજાણતામાં એ ક્યાંય નહિ ને એક શીડયુઅલ બેંકમાં ભરાઈ પડયું હતું, ને આ કોઈ આશ્રમ રોડની સિન્ડીકેટ બૅન્ક થોડી હતી કે, જ્યાં વાંદરૂ હોય કે માણસ ગ્રાહક સેવા પૂરી નિષ્ઠા અને અદબથી થાય છે ! અમારે જે બૅન્કમાંથી વાંદરાને જામીન પર છોડાવવાનો હતો ત્યાં તો સશસ્ત્ર ધાડપાડુઓએ પણ ધાડ પાડતાં પહેલાં અરજી ફોર્મ ભરવું પડે ને અગાઉવાળા લૂંટી લે પછી નંબર આવે ત્યારે ટોકન લઈને ફિકસ્ડ-લૂંટ, કરન્ટ-લૂંટ કે સૅવિંગ્સ-લૂંટ પતાવવી પડે. કમનસીબે, બૅન્કવાળાઓનો પ્રોબ્લેમ એ ન હતો કે, બૅન્કમાં વાંદરૂ ઘૂસી ગયું છે. પ્રોબ્લેમ એ હતો કે, સદરહુ વાંદરાએ કાઉન્ટર પર પોતાની ‘ડિપોઝીટ’ મૂકી હતી અને એ રીજેક્ટ એટલે કે સાફ કરવાની જવાબદારી કોની, એ વિષય પર મૅનેજમેન્ટ, યુનિયન અને કસ્ટમરો વચ્ચે મોટો વિવાદ થઈ ગયો હતો. ... પણ, આમાં મને કેમ બોલાવવામાં આવ્યો, એનો વિવાદ મારો એકલાનો હતો ! દેખાવમાં, હાસ્યલેખક હોવાને કારણે હું પણ સફાઈ કામદાર જેવો લાગુ છું, એની ના નહિ, પણ હજી એ વ્યવસાયમાં પડવા માટે મેં આ બૅન્ક પાસે કોઈ લોનની માંગણી કરી નથી, છતાં મને શા માટે બોલાવવામાં આવ્યો છે, તે સમજાતું ન હતું. હું પહોંચ્યો ત્યાર મૅનેજરની કેબીનમાં વાંદરૂ બેઠેલું જોવા મળ્યું અને શક્ય એટલી સમજાવટથી મૅનેજર હાથના ઈશારે ‘હઇડ-હઇડ’ કરીને કાઢવાના વલખા મારી રહ્યા હતાં. જો કે, એ બન્નેમાંથી મૅનેજર કોણ એની ઘણાં કસ્ટમરોને ખબર ન હતી, એટલે એ લોકો બહારથી બન્ને માટે હઇડ-હઇડ કરતા હતા. આ મૅનેજર થોડો રફ અને તોછડો હોવાથી, ‘વાંદરૂ ભલે રહે પણ મેનેજર જવો જોઈએ’ એવી લાગણી તો સ્ટાફ પણ વ્યક્ત કરતો હતો. ‘સારૂં થયું તમે આવી ગયા ભાઈ,’ એક મહિલા કર્મચારીએ મને જોઈને હર્ષ સાથે કહ્યું, ‘આ તો હાળું પકડાતું જ નથી...!’ અમે તમારા સામેના બ્લોકમાં જ રહીએ છીએ તે બેબી કહેતી હતી કે, મસ્તાનીના પપ્પાને તો વાંદરા પકડતા બહુ ફાઇન આવડે છે તે મેં બ્રાન્ચ મેનેજરને રીક્વેસ્ટ કરી કે, ‘અશોકભ’ઈને બોલાવો... એ’- ‘પણ... વાંદરા પકડવા મારો ધંધો ન- ’ ‘તમે ચિંતા ન કરો ભાઈ... તમારા આવવા-જવાનું રીક્ષા ભાડું એક જ અરજી કરવાથી બે-ત્રણ મહિનામાં જ વાઉચર પાસ થઈ જશે... પણ, બસ આ વાંદરાને ગમે ત્યાંથી કાઢો, ભાઈ સા’બ !’ એક વાંદરા માટે જગતભરની પહેલી ‘સોપારી’ મને આપવામાં આવી રહી હતી. હું ‘ડિસ્કવરી ચેનલ’ પર વાંદરા વિભાગ સંભાળતો હોઉં, એવી આતુરતાથી સ્ટાફ અને ગ્રાહકો મારી આજુબાજુમાં ગોઠવાઈ ગયા. (૧) ‘બૉસ.. આ કરડે એવું વાંદરૂ છે કે ન કરડે એવું ?’ (૨) ‘અહીંથી ખાસ કાંઈ ખબર પડતી નથી પણ અશોકભાઈ... આ વાંદરૂ છે કે વાંદરી ?’ (૩) ‘આ લાઇનમાં તમને કેટલા વર્ષ થયા ?’ (૪) ‘ગુરૂ આ વોંદરૂ ઍમેઝોનના જંગલો બાજુનું છે કે આપણોં ખેડા ડિશ ટ્રિક શાઈડનું, એ શી’તી ખબર પડઅ ? મનઅ તો દિયોરનું મૂળ વતન ઊંઝો લાગે છે, ઊંઝો ! ઈની બુનનો દિયોર મારૂં... જો ઓંય કાઉન્ટર પર ઈયોંએ ‘ડીપોઝ્ઝીટ’ મૂકી છઅ, ઇમોં ય જીરા-વરીયારીની છોંટ આવઅ છઅ !’ (૫) ‘દાદુ... વાંદરાને પકડવા માટે કોઈ છુટ્ટા સાધનોની જરૂર પડે તો કહેજો... અમે તો સ્ટાફમાં ય જરૂર પડે તો એકબીજા ઉપર ફેંકવા માટે લૅજરો વાપરવાનો જ આગ્રહ રાખીએ છીએ !’ આ બધા સવાલોના જવાબ આપું ત્યાં જ આશ્ચર્યજનક રીતે ‘માણસની માફક’ અમારો પરવિણ ચડ્ડી દરવાજામાંથી સીધો અંદર આવ્યો. આપ સહુ તો જાણો જ છો કે, પરવિણભ’ઈનો અને બૅન્કનો મુદ્રાલેખ એક જ છે- ગ્રાહકોની સેવા. બન્ને વચ્ચે ફરક એટલો જ છે કે, પરવિણભ’ઈ ગ્રાહક એટલે રૂપાળી સ્ત્રીઓ સમજ્યા છે. વાંદરો ઘરડો થાય તો ય ગુલાંટ ન ભૂલે, એ વાત સાચી પણ પવલો કહે છે, ‘આ કહેવત તો વાંદરી માટે ય એટલી લાગુ પડે છે ને ?’ પરવિણને લલ્લુ કહેવો કે સરદાર ? એને એક જ ચિંતા હતી કે, કોઈ મહિલા કસ્ટમરને વાંદરૂ બચકું ભરી ગયું નથી ને ? આવું થઈ જાય તો પવલો વાંદરાને ખખડાવી નાંખે, ‘અમે મરી ગયા છીએ તે આવા કામ તમારે કરવા પડે છે ?’ બીજું તો કંઈ નહિ, મહિલા સ્ટાફ અને કસ્મરોને ઇમ્પ્રેસ કરવા પરવિણભ’ઈ રીક્ષા કરીને સાડા-પાંચ કિલો લીમડો લઈ આવ્યા હતા. ‘વાંદરૂ પકડવાની અસરકારક પદ્ધતિઓ’ નામના પુસ્તકમાં એમણે વાંચેલું કે ઘરમાં આવું કોઈ વાંદરૂ-બાંદરૂ ભરાઈ જાય તો ઘરમાં લીમડો બાળીને એનો ઘૂમાડો કરવાથી વાંદરા ભાગી જાય છે. આ ભડકો એમણે સવારે ૧૧ વાગે કર્યો. સાંજે ચાર સુધી તો સ્ટાફ અને કસ્ટમરો બૅન્કની બહાર ફૂટપાથ પર મોંઢા વકાસીને ઉભા હતાં.... પવલો ને વાંદરો બે જ અંદર ! કહે છે કે, એક તબક્કે વાંદરો તો બહાર આવવા માટે બહુ ધમપછાડા કરતો હતો. પવલો એને બહાર આવવા દેતો ન હતો... આમ કાંઈ બૅન્કમાં સીધી અઠવાડિયાની રજા થોડી મળવાની હતી ? બૅન્ક અઠવાડિયું બંધ રહી... વાંદરાને પરવિણે પરમેનન્ટ પાળી લીધો છે.

Ashok Dave no interview

નામ ઃ અશોક દવે ઉંમર ઃ અબ તક છપ્પન. જન્મ તારીખ ઃ ૨૯મી ફેબુ્રઆરી, ૧૯૫૨. જન્મસ્થળ ઃ પ્રસૂતિગૃહ. જન્મવાનું કારણ ઃ માં-બાપના લગ્ન. વજન ઃ જેને ઉચકવાનું હશે, તેને કહીશું. કેવા કપડાં ગમે? ઃ તમે સ્પષ્ટ કર્યું નથી કે, પહેરવા કે ધોવા? પહેરવા માટે ઃ હું મારા ધોયેલા કપડાં જ પહેરૂં છું. હા, પણ કેવા કપડાં? ઃ ઉતરી ન જાય એવા...! ઉફફ... ફૅશનમાં કેવા કપડાં? ઃ પોલો શર્ટ (જેને ગુજરાતીઓ જર્સી-જર્સી લઇ મંડ્યા છે.. હાફ-સ્લીવ્સની કૉલરવાળી જેને તમે ટૅનીસ-જર્સી કહો છો, તેને પોલો શર્ટ કહેવાય એ અને વ્હાઈટ પૅન્ટ. નાસ્તામાં શું ફાવે? ઃ કોઇના ઘેર કરવાનો હોય તો બઘું જ... મારા ઘેર હોય તો કાંઇ નહિ! જમવામાં? ઃ આપ લૉજ ખોલવા માંગો છો? જી. હું તો... ઃ ઓકે. જમવામાં ફાવવા / ન ફાવવા જેવું કાંઇ હોતું નથી. બારે માસ બે ટાઇમ ભૂખ લાગતી હોય, એને ચૉઇસ જેવું કાંઇ હોતું નથી. ભૂખ લાગી હોય ત્યારે બઘું ભાવે. હિલ સ્ટેશન કયું ગમે? ઃ જ્યાં હિલ અને સ્ટેશન બન્ને હોય તે. સ્પૉટ્ર્સનો શોખ ઃ મને તીનપત્તી (કનેજર) સિવાય જગતની એકે ય ગૅઇમમાં રસ નથી. સાંસ્કૃતિક કાર્યક્રમો ગમે? ઃ એટલે? એટલે, છાંટો-પાણી... ડ્રીન્ક્સ, યૂ નો...! ઃ શટ અપ. આવો બેહૂદો સવાલ પૂછવાની તમે હિંમત કેમ કરી? દારૂને હું કદી હાથ પણ અડાડતો નથી... ગ્લાસમાં હાથ બોળ્યા વગર ફક્ત હોઠ જ અડાડવાના. કઇ રૅસ્ટરામાં જવું ગમે? ઃ એવું કાંઇ ચોક્કસ નહિ. મારા ટૅબલની સામે ઍન્ગલ કેવો ગોઠવાયો છે, એની ઉપર બધો આધાર છે. જી. હું સમજ્યો નહિ ઃ અરે સીધી વાત છે ને? ઘેલસફ્ફા જેવા એના ગોરધનનું મોંઢું આપણી તરફ હોય ને કાન્તાગૌરીનો કાળો બૅકલૅસ બરડો આપણી તરફ તંકાયો હોય, એવી હોટેલોમાં શું ઘૂળ જાય? યૂ મીન, કાન્તા સુંદર હોય ને મોંઢું તમારી તરફ હોય, એવી હોટલો ગમે? ગમે ?ઃ પણ એ વખતે હકીનો ઍન્ગલ કાન્તા તરફ ગોઠવાયેલો ન હોવો જોઇએ. હોટેલમાં નૉર્મલી તમે શું માંગો? ઃ માંગો નહિ, ‘મંગાવો’ બોલાય, ઈડિયટ...! હોટેલોમાં હું ને હકી વાડકા લઇને નથી જતા. સૉરી. પણ શું મગાવો? ઃ એ તો બિલ ચૂકવનાર નક્કી કરે ને? જગતભરની તમામ રૅસ્ટરાંમાં, જે એમ કહેતો હોય કે, ‘‘આપણને તો જે મંગાવો, તે ચાલશે’’, એમાં સમજી લેવું કે બિલ એ આલવાનો નથી. વાંચવા-બાંચવાનો શોખ ખરો? ઃ હા. પ ન ડ ર ત ગ જ ય હ મ ક લ સ. ઉપરના મોટા અક્ષરો વાંચવા ગમે. છેલ્લા સાવ ઝીણા ન વંચાય. અરે ભ’ઇ, હું સાહિત્યિક વાંચનનું પૂછું છું. ઃ સાહિત્ય પણ ઉપર જણાવેલા ત પ ડ ગ જ ય હ મ ક લ સ થી જ બને છે. ઉફ... આપે શૅક્સપિયર, કાફકા, મિલ્ટન કે બર્નાર્ડ શો જેવા સાહિત્યકારોને વાંચ્યા છે? ઃ એ બધાના નામો મારી કૉલમોમાં વારંવાર લખ્યા વિના ય વાચકો મને લેખક ગણે છે. આપ આપના લેખોમાં તમારા પત્નીને અવારનવાર લાવો છો. ઃ ઘેર પૂછી જોજો. હા પાડે તો હવેથી તમારા પત્નીને લાવીશું. કોઇ સુંદર સ્ત્રી તમારી સામે જોતી હોય ત્યારે કેવું ફીલ કરો છો? ઃ ‘‘સાલીનો રહી રહીને ટેસ્ટ ઊંચો ગયો...!’’ આપ રૉમેન્ટિક છો? ઃ તે આ ઉપરનો જવાબ વાંચીને તમને હું નં. ૬ લાગ્યો? સરખું કહો ને? ઃ તમને જોઇને શું કહેવાનું હોય? તમે જ્હૉન અબ્રાહમ અને મને અભિષેક બચ્ચન ધારી લીધો છે? મોબાઇલમાં લાંબી વાતો પુરૂષ સાથે ગમે કે સ્ત્રી સાથે? ઃ પુરૂષનો ધંધો અને સ્ત્રીનો આઇ-ક્યૂ ઊંચો હોય તો. પ્રવચન કરવાનો આખા ગુજરાતમાં સૌથી વઘુ ભાવ તમે લો છો? ઃ મ્સ્ઉ ખરીદનારાઓ ગાડીની ઍવરેજ કેટલી આવશે, તે પૂછતા નથી. ‘ઍનકાઉન્ટર’માં તમને સૌથી વઘુ સવાલો કોણ પૂછે છે? ઃ મને ઈડિયટ સમજનારાઓ. શુક્રવારે તમારી કૉલમ ‘દૂર કોઇ ગાયે’ યુવાનો પણ કેમ વાંચે છે? ઃ અજાણતામાં એ લોકો લતા, રફી કે મૂકેશને હિમેશ રેશમીયા જેવા નવા ગાયકો સમજે છે. તમારી દ્રષ્ટિએ મુંબઇના આતંકવાદને ટાઇમસર નાથવામાં ભૂલ ક્યાં થઇ? ઃ સરકારે કમાન્ડોને બદલે ગુજરાતના કવિઓ અને સુગમ સંગીતના ગાયકોને મોકલવા જોઇતા હતા. એમની એ.કે. ૪૭ અને હૅન્ડ-ગ્રૅનેડની સામે આ લોકોની હાર્મોનિયમની પૅટી અને કવિઓની તાજી રચના કાફી હતી. જો કે, ઘણાં એવું માને છે કે, એને બદલે હોટેલ ઑબેરોય કે તાજમાં આપનું પ્રવચન ગોઠવ્યું હોત તો એ લોકો ધૂસ્યા પણ ન હોત! ઃભારત સરકારને આપ વઘુ પડતી બુઘ્ધિશાળી માની બેઠા છો. આજના હીરાઓની જેમ તમે કદી શર્ટ કાઢીને પ્રવચનો આપવા જતા હો તો? ઃ હું શ્રોતાઓને મસલ-પાવરથી નહિ, અસલ-પાવરથી બીવડાવવા માંગુ છું. આપના લેખોની જેમ એકાદી નૉન-સૅન્સ જાૅક કહો ને ઃ ઈન્ડિયાને છેલ્લા બૉલે જીતવા માટે દસ રન કરવાના હતા. આખરી ઉપાય તરીકે સાઉથના ફિલ્મસ્ટાર રજનીકાંતને બૅટિગમાં મોકલ્યો. એણે હવામાં ઊંચી સિક્સર મારી. બૉલના બે ટુકડા થઇ ગયા. એક સિક્સર થઇને મેદાનની બહાર પડ્યો ને બીજાના ચાર રન મળ્યા.

Tamari ketli aangadiona tachaka phute chhe?

મહાત્મા ગાંધી, નરેન્દ્ર મોદી, શિલ્પા શેટ્ટી અને ડોન બ્રેડમૅન વચ્ચે કૉમન શું ? એ જ કે, આ ચારે ય માંથી એકેને પોતાની આંગળીઓના ટચાકા ફોડતા કોઇએ જોયા નથી. આ કાંઇ હરએકના ગજાની વાત નથી. ઝનૂનો તો ઘણાને ઉપડતા હોય કે, તોડી નાંખું ને ફોડી નાંખુ ને પછી તો એવા તાનમાં આવી જાય કે, ઊગી હોય એ બધી આંગળીઓના ટચાકા ફોડવા માંડે. એમાં કોઈ કલા, સંગીત કે વિજ્ઞાન-બિજ્ઞાન નથી. શક્તિ-પ્રદર્શન પણ નથી. હૂલ્લડો દરમ્યાન દુકાનોના શટરો તોડનારો કે યુદ્ધભૂમિમાં દુશ્મના સેના ઉપર ધગધગતા લાવા સમા ગુસ્સાથી દુશ્મનોના માથા ફોડી નાંખનારો યોદ્ધો, વખત આવે પોતાની આંગળીઓના ટચાકા ફોડી શકતો નથી. આમાં તો, ‘‘માંહી ફોડ્યા તે મહાસુખ પામે...’’ જેવું કામકાજ હોય છે. જેણે ફોડ્યા હોય, એને જ ખબર પડે કે, ફોડી લીધા પછી કેવા પરમસુખની અનુભૂતિ થાય છે...

ટચાકાની દુનિયાનું મુખ્ય સૂત્ર એ છે કે, એક ફોડ્યા પછી બીજો ફોડવાનું મન થાય જ. આ કાંઇ દિવાળીનું દારૂખાનું નથી કે આજે એક ફોડી લીધો, કાલે બીજો ફોડીશું, એવો સંયમ રહી શકે. ટચાકા જીવનની એ ક્ષણોએ ફોડવામાં આવતા હોય છે, જ્યારે તમે સાવ નવરાઘૂપ બેઠા હો ને બીજો કોઇ કામધંધો હોય નહિ. શું કરવું, એની સમજ પડતી ન હોય, એવા આલમમાં મોકો જ્યારે કોઇના માથા ફોડવાનો મળ્યો હોય, ત્યારે લોકો પોતાના આંગળાના ટચાકા ફોડીને હાથમાં આવેલી તકોને વેડફી નાંખતા હોય છે.

બહુ ઓછાના માનવામાં આવશે કે, બધે બધી દસે દસ આંગળીઓના ટચાકા કોઇ ફોડી શકતું નથી. એક-બે તો રહી જ જાય, ભલે તમારા વિચારો સ્વામી વિવેકાનંદ જેવા હોય, ભૂજાઓમાં ‘ધી ગ્રેટ ખલી’ જેવું બળ હોય અને અગાઉ અનેકવાર ઘરના કપ-રકાબીઓ ફોડી ચૂક્યા હોય, પણ ટચાકા ગુજરાત યુનિવર્સિટીના પૅપરો જેવા નથી કે, જે આવ્યું, એ ફોડતો જાય. કહે છે કે, શરૂઆતના તરવરાટમાં બે-ત્રણ આંગળાના ટચાકા તો ફૂટી જતા હોય છે... પણ તકલીફ પછી પડે છે. કેટલાક મક્કમ મનોબળવાળા તો છ-છ સાત-સાત આંગળાના ફોડી શકે છે, પણ ધેટ્સ ઑલ....ત્યાંથી આગળ વધવા માટે કાં તો નસીબ જોઇએ ને કાં તો આંગળા બીજાના જોઇએ.

પણ લોકો કહે છે કે, જેની દસે-દસ આંગળીઓના ટચાકા ફૂટે છે, એ બહુ લાંબુ જીવવાનો છે, કારણ કે એના હાડકા મજબૂત છે. ઘઇઢીયાઓ એવું માને છે કે, દસ ટચાકા ફૂટી જાય તો ૨૪-કલાકમાં ધાર્યું કામ થઈ જાય, જ્યારે સુંદર આંગળા ધરાવતી હૉલીવૂડની ઍક્ટ્રેસ ઍન્જેલીના જાૅલી કહે છે, પુરૂષો દસ ટચાકા ફૉડી શકતી સ્ત્રીના તાબડતોબ વશમાં આવી જાય છે. (... આપણે તો આવી વાંદરીઓથી આઘા રહેવું સારૂં...હકી ખીજાય !)
સફળતાપૂર્વક ટચાકા ફોડવાની અનેક પદ્ધતિઓ અમલમાં છે, જેમાંની અતિ પ્રસિદ્ધ થયેલી પદ્ધતિ નં. ૧- (Ø) મુજબ, આંગળીઓને એકબીજામાં કસોકસ પરોવીને છાતી તરફ જોર આપો. જોરો અપાઈ ગયા પછી, ચાર-પાંચ વાર મુઠ્ઠી ઉઘાડ-બંધ કરો, એટલે તમે ટચાકા ફોડવા તૈયાર થઈ ગયા કહેવાઓ.

પદ્ધતિ ૩૩-સી મુજબ, સૌ પ્રથમ તો આઠેય આંગળીઓના ટેરવાઓને એકબીજાને જકડીને અડાડી દો. બન્ને અંગૂઠા તમારા મોઢાં સામે આવે, એમ આંગળીઓની શક્ય હોય એટલી ભીંસ મારો. આને ઇંગ્લિશમાં ‘વૉર્મ-અપ’ કહેવાય, એટલે કે તમે હવે તમારી ઇચ્છા મુજબના ટચાકા ફોડી શકો છો.

બસ. ત્યાર પછીની ક્રિયાઓ તમામ પદ્ધતિઓ માટે કૉમન રહે છે.

ટચાકાઓ ફોડવા આપણા બ્લડમાં જ ન હોવાથી, ઘણાને પ્રારંભિક ભય રહેતો હોય છે, કે હાળા આંગળા-બાંગળા મયડાઈ તો નહિ જાય ને ? અહીં એક ટચાકા-ગુરૂ તરીકે મારે કહેવું જોઈએ કે, પહેલી વાર (પોતાની) વાઇફની ડીલિવરી કરાવતો ગોરધન, પહેલી વાર (બીજાની) વાઇફની ડિલિવરી કરાવતો ગોરધન અને પહેલી વાર પોતાના આંગળાના ટચાકા ફોડવા માંગતો નવજવાન જો હિમ્મત હારી જશે તો...તો બહુ ખોટું થશે કારણ કે, આ ત્રણે કાર્યોમાં પાર્ટીએ જાતે જ ઉપસ્થિત રહેવાનું જરૂરી હોય છે. બહારની પાર્ટીઓ લાભ લઈ જાય, એ ઠીક નથી.
ઓકે. મૂળ તાલીમ પર આવીએ. ટચાકા ફોડવાનું પ્રથમ પગથીયું ટચલી આંગળી મનાયું છે. ત્યાંથી શરૂ કરો તો અંગુઠે પહોંચતા ઝાઝા દિ’નો થાય. ટચલીને ફોડવા માટે, એને તમારી લગ્ન પહેલાની સાળી માની લેવી પડે. યાદ કરો, પહેલાં સાળીને ફોડી બતાવી, ત્યારે હાલના અ.સૌ. કનકલક્ષ્મી હાથમાં આવ્યા હતા. ટચલીનો ટચાકો ફોડવા માટે સામેના હાથના અંગૂઠા વડે ટચલીનો છેલ્લો વેઢો ભીંસમાં લઇ ભારે દબાણ આપવાનું હોય છે. દબાણની આ પ્રક્રિયા દરમ્યાન વચમાં ક્યારેક ‘ટચ્ચાક...’ નામનો ઘ્વનિ સંભળાશે. આ ઘ્વનિને આપણી પહેલી સફળતા માની લેવી.

‘‘શું ટચાકો ફોડતી વેળાએ પારાવાર દુઃખ અને વેદનાની બૂમો નહિ પડાઇ જાય ?’’ એવો પ્રશ્ન અમને ઘણી વાર કરવામાં આવે છે. મિત્રો, ઘ્યેયપ્રાપ્તિના માર્ગમાં દુઃખો તો આવવાના. હજી તો બીજા નવ દુઃખો બાકી છે. ‘‘ઐસે મેં જો પાયલ તૂટ ગઈ, ફિર અય મેરે હમદમ ક્યા હોગા ?’’

એ પછી તો મન ફાવે તેમ બાકીના આંગળાઓને ભીંસમાં લઈ શકાય. શુકન-અપશુકનમાં માનતી અને દર વર્ષે ભૂલ્યા વગર વટસાવિત્રીનું વ્રત કરતી ઘણી મહિલાઓ ટચલીની સામે બીજી ટચલીનો ટચાકો ફોડે છે, જેથી એમના ગોરધનનું આયુષ્ય લંબાય...એ વાત જુદી છે કે, આ જાણ્યા પછી સારા અન સંસ્કારી ઘરોની શિક્ષિત મહિલાઓ ભૂલેચૂકે ય ટચલીના ટચાકા ફોડવાનું જીવનભર નામ નથી લેતી.

સાંભળ્યું છે, લોકો પગના આંગળના ય ટચાકા ફોડે છે, પણ એમને વાળીને દબાવવાના બદલે ખેંચાવાના હોય છે. પ્રમાણમાં પગના ટચાકા ઓછા દુઃખદાયક હોય છે. અલબત્ત, એમાં ‘વિના સહકાર નહિ ઉઘ્ધાર’ની પઘ્ધતિ વાપરવી પડે છે. જાતે આંગળા ખેંચવા લગભગ તો પૉસિબલ નથી હોતું અને જો હોય તો એટલું સરળ નથી હોતું. આમાં ખેંચી આપનારે ટાઇમિંગ અને કૌશલ્યનું ખૂબ ઘ્યાન રાખવું પડે છે. ખેંચાવનારે પગ અને ખેંચનારે હાથ ધોયેલા હોવા નિહાયત જરૂરી છે. બેમાંથી એકે ય પાર્ટીના હાથ કે પગના આંગળા તેલવાળા ન હોવા જોઈએ. લોખંડના બિંબ ભરેલા ખટારામાંથી મજૂરો ‘‘જોર લગા કે હૈ....યા’’ના ઝનૂન સાથે બિંબો ખેંચે છે, એમ અહીં કોઇના પગના અંગૂઠા ખેંચી ન નંખાય. એની સાથે એટલું પણ જરૂરી છે કે, પૂરા શરીરના વજન સાથે પોતાના બન્ને પગ ભીંતમાં ભરાવીને ૪૫ અંશના ખૂણે, બીજાના અંગૂઠા ખેંચી આપતો છત્રીસની છાતીવાળો યુવાન જો બૅલેન્સ અને પક્કડ વ્યાજબી ભાવે નહિ રાખે તો અનેક હડબોટીયા ખાઇ જવાના ભયસ્થાનો રહેલા છે.

અલબત્ત, આ બધી ફોડાફોડીમાં એક સવાલ અચૂક થાય છે. શું ટચાકા ફોડવા જરૂરી છે ? એમાં બુઘ્ધિનું કોઇ કામ છે ? ડૉક્ટરો, પહેલવાનો, તબલચીઓ અને યોગગુરૂઓ ટચાકાને માન્યતા રાખે છે ખરા ?

આપણે ઘણાં કામો એવા કરીએ છીએ, જે કરી લીધા પછી પણ ખબર પડતી નથી કે, મેં આ કેમ કર્યું ? ટચાકા ફોડવા આવું જ એક કામ છે, જે ન ફોડો તો કોઇ પૂછતું નથી અને ફોડી લીધા પછી એનો પસ્તાવો કે આનંદ થતો નથી. આના કોઇ રૅકૉડ્ર્સ નોંધાતા ન હોવાથી, દસ-બાર ટચાકા ફોડી લીધા પછી કોઇ વિક્રમ સ્થાપ્યો હોવાનું ગૌરવ થતું નથી.

માણસો બુદ્ધિ વગરના તો અનેક કામો કરે છે, પણ એ બધામાંથી ય કાંઇક પામવાની લાલચ હોય છે, જુગાર હોય છે, પણ ટચાકા ફોડવામાં કોઇ લૉજીક મળતું નથી. મેં ઑર્થોપૅડિક ડૉક્ટર-દોસ્તોને ય પૂછ્યું કે, આનાથી કોઇ ફાયદો કે નુકસાન થાય છે ખરૂં ? કૅન યૂ બીલિવ...? બધા ડૉક્ટરોએ કીઘું કે, ખુદ મૅડિકલ સાયન્સ પણ હજી શોધી શક્યું નથી કે, લોકો ટચાકા કેમ ફોડે છે ? ફોડે ત્યારે અંદરથી જે ‘‘ટચ્ચા....ક’’ કરતો અવાજ આવે છે, તે શેનો, શું અથડાવાથી આવે છે અને ફોડ્યા પછી કોઇ ફાયદો કે નુકસાન થાય છે કે નહિ, તેની જાણકારી ઑર્થોપૅડિક સાયન્સ પાસે ય નથી. માનવજીવનનું આ એક જ કામ એવું છે, જે જીંદગીભર ન કરો કે રોજ કરો તો ફાયદો કે નુકસાન કાંઇ નથી, એવું ડૉક્ટરોએ મને કીઘું છે.

તો પછી...ફોડી નાંખો બે-ચાર...!

સિક્સર

નેતાઓ નુ કરેલુ જનતા ભોગ્વે એને શુ કહેવાય?


પાદે કોઇ, સુન્ઘે કોઇ!